પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
કચ્છનો કાર્તિકેય

માટે હું જે લાગણી ધરાવું છું, તેમાં હું કાંઈ પણ વિશેષ કરતી નથી. વળી એના માટે મારા મનમાં વિશેષ લાગણી થવાનું કારણ એ છે કે, રખાયત હોવા છતાં એક રાણી કરતાં પણ એ અધિક વિનયવતી અને સદ્‌ગુણવતી છે," રાણીએ પોતાના મોભાને છાજે તેવાં વચન ઉચ્ચાર્યા.

"ધન્ય છે, રાણી, તમારી સદ્‌ભાવનાને અને ધન્ય છે તમારા અપ્રતિમ પતિપ્રેમને ! સ્ત્રી મળજો તો તમારા જેવી જ મળજો," એમ કહીને હમ્મીરજીએ આગળ વધીને જણાવ્યું કે: "રાજબાની પ્રકૃતિમાં સુધારો થવાના સમાચાર મળ્યા એ સારું જ થયું. એક ચિન્તા દૂર થઈ. રાવળને ત્યાં મહેમાનદારીની સારી મઝા લઈ શકાશે."

"રાવળને ત્યાં મેહમાનદારી શી અને મઝા કેવી ?" રાણી એ સાશંક મુદ્રાથી પ્રશ્ન કર્યો.

"હું પરમ દિવસે બાડે જવામાટે અહીંથી પ્રયાણ કરવાનો છું: કારણ કે, રાવળના આમંત્રણનો સ્વીકાર કરી મેં ત્યાં જવામાટેનું તેને અત્યારે જ વચન આપ્યું છે. એ ભલો ભાઈ ઘણા દિવસથી આગ્રહ કર્યા કરતો હતો, એટલે કહ્યું, ચલો એના મનને પણ સંતોષ આપીએ.” હમ્મીરજીએ ભોળા ભાવથી ઉત્તર આપ્યું.

"મારા ભોળા રાજા, આપે રાવળને ભલો ધારીને એકદમ તેના આમંત્રણનો સ્વીકાર કરી લીધો અને તેને ત્યાં જવાનું વચન આપ્યું, એ આપની એક ઘણી જ મોટી ભૂલ થઈ છે. આપ પોતે ભોળા અને ભલા છો એટલે બધાને પોતાના જેવા જ માનો છો; પણ બધા આપના જેવા નિષ્કપટ અને સત્યશીલ હોતા નથી, એ નિશ્ચયપૂર્વક માનજો. જામ રાવળ મહાકપટી અને મેંઢો છે અને તેના આ પ્રયત્નમાં અવશ્ય મને તો કાંઈ પણ પ્રપંચની છટા જ દેખાય છે. આપ ત્યાં જાઓ, એમાટે મારી તો લેશ માત્ર પણ અનુમતિ નથી. પછી તો જેવો આપનો વિચાર," રાણીએ યોગ્ય ઉપદેશ આપ્યો.

"મનોદેવિ, પ્રથમ મારા મનમાં પણ એવા સંશયનો ઉદ્‌ભવ થયો હતો, પરંતુ જામ રાવળના આજ સુધીના વર્તનનો વિચાર કરતાં અને તેના શપથ સાંભળતાં મારા એ સંશયને લોપ થયો અને તેના વચનમાં વિશ્વાસ રાખીને મેં વચન આપી દીધું. એટલે હવે તો કોઈ પણ રીતે મારા વચનનું મારે પાલન કરવું જ જોઈએ," હમ્મીરજીએ કહ્યું.

"પરંતુ જ્યાં પોતાની પ્રાણહાનિનો સંભવ હોય, ત્યાં પણ વચનનું પાલન કરીને કાળના મુખમાં જવું એ કયા પ્રકારની નીતિ કહેવાય વારુ ?" રાણીએ પ્રતિવાદ કર્યો.

"જે વેળાએ એવો પ્રસંગ આવશે, તે વેળાએ જોઈ લેવાશે.