પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
પ્રાર્થના કે પ્રપંચ

અત્યારે જ ભાવિ ભયની શંકાથી વચનપર પાણી ફેરવી દેવું, એ મારા જેવા એક વચનશીલ રાજા માટે યોગ્ય કાર્ય ન કહેવાય," હમ્મીરજીએ પોતાના મતનું પુનઃ સમર્થન કર્યું.

આ સંવાદ ચાલતો હતો એટલામાં ભૂધરશાહ પ્રધાન ત્યાં અચાનક આવી લાગ્યો અને નમન કરીને જરાક દૂર બેઠો. અહીં જણાવવું જોઈએ કે, જો કે રાજાના અન્તઃપુરમાં અન્ય પુરુષને આવવાનો કઠિન પ્રતિબંધ હતો, પરંતુ ભૂધરશાહ અત્યંત વિશ્વાસપાત્ર, નિર્વિકાર અને વૃદ્ધ પ્રધાન હોવાથી કેવળ તેના માટે જ એવી આજ્ઞા હતી કે, તે તેની ઇચ્છામાં આવે તે વેળાએ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિના અંતઃપુરમાં આવી શકે; એટલું જ નહિ, પણ રાણીઓ તેને ધર્મપિતા કહીને બોલાવતી હતી અને તેથી તેની લાજ કાઢતી કે તેનાથી મુખ છુપાવતી નહોતી. પોતાના આસને બેસીને ભૂધરશાહે રાણીને ઉદ્દેશીને જે પ્રથમ પ્રશ્ન કર્યો તે એ હતો કેઃ "કેમ બાસાહેબ, અત્યારે મહારાજા સાથે શો સંવાદ ચાલી રહ્યો છે ? કોઈ રાજ્યવિષયક ચર્ચા તો નથીને ?"

"આજે અત્યારે એવા પ્રકારની એક ચર્ચા ચાલી રહી છે કે જેની સાથે રાજ્યના, મારા અને મહારાજાના પોતાના હિતાહિતને પણ નિકટ સંબંધ રહેલો છે. ભોળા રાજાએ જામ રાવળના આમંત્રણને માન્ય કરી પરમ દિવસે બાડે જવાનો નિશ્ચય કર્યો છે." રાણીએ કહ્યું,

"એમાં મેં અયોગ્ય શું કર્યું છે વારુ ?" હમ્મીરજીએ ભૂધરશાહને આતુરતાથી પૂછ્યું. આ પ્રશ્ન પૂછવામાં રાજાનો એ હેતુ હતો કે, પ્રધાન અવશ્ય તેને અનુકુળ થઈ પડે તેવો અભિપ્રાય આપશે અને તેથી તેના મતને પુષ્ટિ મળશે. પરંતુ હમ્મીરજી પોતાની એ ધારણામાં નિષ્ફળ થયો અને તેને ભૂધરશાહ તરફથી કેવળ મૌનાવલંબન વિના બીજું કાંઈ પણ ઉત્તર મળી શક્યું નહિ. આવી પરિસ્થિતિને જોઇને રાજાએ રાણીને પૂછ્યું કેઃ "કેમ રાણી, તમારા ધર્મપિતા ઉત્તર કેમ નથી આપતા વારુ ?"

"એમના આમ નિરુત્તર રહેવાનું કારણ તો પછીથી જણાશે, પણ હું આપને હવે છેલ્લી વાર પૂછું છું કે આપ બાડે જવા વિના તો નથી જ રહેવાના ને ? પોતાના હઠને નથી જ છોડવાના ને ?" રાણીએ કહ્યું.

"એ વિશે પુનઃ પુનઃ પૂછવાનું શું કારણ છે? સિંહગમન, પુરુષવચન, કેળ ફળે એક વાર !" હમ્મીરજીએ ઉત્તર આપ્યું.

"જ્યારે આપનો એ જ હઠ છે, તો હું સ્પષ્ટતાથી જ કહી દઉં