પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
પ્રાર્થના કે પ્રપંચ

તો પછી તે રાજા શાનો કહેવાય ? જો મારું મરણ થવાનું હશે, તો તે કોઈ પણ પ્રકારે થશે જ; તો પછી દગાથી ડરવું શામાટે ? તેમ વળી મારી પાછળ રાજ્ય ચલાવનાર રાજકુમાર પણ છે. જે ખાડો ખોદશે તેજ તેમાં પડશે. માટે મને હવે રોકશો નહિ."

"પ્રાણનાથ, આ સાહસ થાય છે," રાણીએ નેત્રોમાં નીર લાવીને કહ્યું.

"અન્નદાતા, આ એક ભયંકર ભૂલ થાય છે," ભૂધરશાહ પ્રધાને પણ તેવો જ ઉદ્‌ગાર કાઢ્યો.

"સાહસ તો રાજાનું કર્ત્તવ્ય જ છે અને ભૂલ થતી હોય તો વચનના પાલનમાટે એ ભૂલ પણ મને કબૂલ છે. હું મારા વચનથી કદાપિ ટળવાનો નથી," હમ્મીરજીએ અંતિમ નિશ્ચય જણાવી દીધો.

મહારાણીએ એક દીર્ધ નિ:શ્વાસ નાખીને ઉપાય ન ચાલવાથી લાચારીએ મૌનનું અવલંબન કર્યું.

"ત્યારે પ્રધાનજી, આજ અને કાલના દિવસમાં મારા પ્રવાસમાટેની સર્વ તૈયારીઓ કરાવી રાખો; કારણ કે, પરમ દિવસે પ્રભાતમાં જ મારે અહીંથી પ્રયાણ કરવાનું છે," હમ્મીરજીએ પ્રધાનજીને આજ્ઞા આપી.

"જેવી મહારાજાની આજ્ઞા," કહીને પ્રધાન ત્યાંથી ચાલતો થયો.

હમ્મીરજીના હઠની આ વાર્ત્તા જ્યારે રાજ્યના અન્ય શુભેચ્છકોના જાણવામાં આવી, ત્યારે તેમને પણ અતિશય શોક થયો અને તે સર્વેએ રાજાને રાવળને ત્યાં ન જવામાટેનો જ બોધ આપ્યો; પરંતુ હઠીલા રાજાએ કોઇનું વચન માન્યું નહિ. એ તો પ્રસિદ્ધ જ છે કે, સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ એ ત્રણ હઠ ટાળ્યા ટળતા નથી. અર્થાત હમ્મીરજીએ જે હઠ પકડ્યો તે પકડ્યો જ; માત્ર એટલું જ નહિ, પણ સાથે યુવરાજશ્રી ખેંગારજીને તથા દ્વિતીય કુમાર સાહેબજીને પણ લઈ જવાનું નક્કી કર્યું. એથી બધા સરદારો તથા રાણીને બહુ જ માઠું લાગ્યું; પણું ઉપાય શો ? રાજા કોઇનું માને તેમ તો હતું જ નહિ, એટલે કદાચિત્ રાજા તૃતીય કુમારને પણ સાથે લઈ જશે તો ? એવા ભયથી તૃતીય કુમાર રાયબજીને તો તે જ દિવસે રાણીએ પોતાને પિયર મોકલી દીધા અને 'હમ્મીરજી તથા બે કુમારોનું જે થવાનું હશે તે થશે' એ પ્રમાણે ઈશ્વરપર આધાર રાખી સર્વ નિરાશ થઈને બેસી રહ્યાં.

ત્રીજે દિવસે પ્રભાતકાળમાં વાહનપર આરૂઢ થઇને રાજા જે વેળાએ દરબાગઢના દ્વારમાંથી બહાર નીકળ્યો, તે વેળાએ છાપરાપરથી એક નળીયું અચાનક નીચે ધસી પડ્યું અને તેના આઘાતવડે તેના