પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
કચ્છનો કાર્તિકેય

માથાપરની પાઘડી પૃથ્વી પર ઊછળી પડી. એ અપશકુનને જોઇને સર્વ કહેવા લાગ્યા કે: "મહારાજ, આ અપશકુન અત્યંત ભયંકર છે, માટે હજી પણ જવાનો વિચાર માંડી વાળો તો ઘણું જ સારું." પણ જેમ જેમ લોકો તેને ન જવામાટેનો વધારે અને વધારે ઉપદેશ આપવા લાગ્યા, તેમ તેમ જવામાટેનો તેનો હઠ વધારે અને વધારે વધતો ગયો. જરાક આગળ ચાલતાં બિલાડી આડી ફરી ગઇ, લાકડાનો ભારો સામો મળ્યો અને એક વિધવા સ્ત્રીનો એકનો એક પુત્ર મરી જવાથી તેણે હૃદયવિદારક આક્રન્દ કરવા માંડ્યો. ઈત્યાદિ અપશકુનોના સમૂહને જોઈને મનમાં તો હમ્મીરજીને પણ એમ ભાસ્યું કેઃ "આ સર્વ ચિન્હો કોઈ પણ ભયંકર અનર્થને સૂચવનારાં તો છે જ, તો પણ હવે પાછા તો વળવું નહિ જ; કારણ કે, કેટલાક લોકોનો એવો પણ અભિપ્રાય છે કે, આ બધા એક પ્રકારના વહેમ માત્ર જ છે. અર્થાત્‌ જે કોઈ પણ અનર્થ થવાનો ન હોય અને વ્યર્થ શંકાવડે મારું વચન મિથ્યા કરીને હમણાં હું ન જાઉં, તો પછી ભવિષ્યમાં મારા વચનમાં કોઈ પણ વિશ્વાસ રાખે નહિ અને આજ સૂધી જે રાવળે મારા પ્રતિ જે આટલો બધો પ્રેમભાવ બતાવ્યો છે, તેના મનમાં પણ ઘણું જ માઠું લાગી જાય. એથી પ્રેમનો સંબંધ ટૂટીને પાછો દ્વેષનો દાવાનળ સળગવા માંડે અને તે પરિણામે ઉભયને હાનિકારક થવા વિના રહે નહિ. ચિન્તા નહિ; જે થવાનું હોય તે થાય, પણ મારે તો જવું જ જોઈએ. પરંતુ કુમારોને સાથે લઈ જવાની કશી પણ આવશ્યકતા નથી," મનમાં એ પ્રમાણેનો વિચાર કરી તેણે કુમારોને ત્યાં જ રહેવાની આજ્ઞા કરી.

રાજહઠનું નાટક એ પ્રમાણે ચાલી રહ્યું હતું એટલામાં હવે બાલહઠના પ્રયોગનો આરંભ થયો. અર્થાત્ કુમારો હઠીલા થઈને કહેવા લાગ્યા કે: "અમે તો કાકાને ઘેર ચાલીશું જ. આપ ત્યાં પધારો અને અમે શામાટે ન આવીએ ?" કારણ કે, કાકાએ જિહ્વામૃતની ધારા એવી તો વહેવડાવી હતી કે તેના પાનથી સર્વ મુગ્ધ થઈ ગયા હતા. રાજાએ અન્તે નિરુપાયથઈને કુમારોને પણ સાથે લીધા અને રાજાની સ્વારી પોતાના માર્ગમાં આગળ વધવા લાગી. રાજાએ કુમારોસહિત જે વેળાએ લાખિયાર વિયરાનો ત્યાગ કર્યો તે વેળાએ વળાવવા આવેલા સર્વ સરદારો અને નાગરિકોનાં નયનોમાંથી અશ્રુના બિન્દુ ખરી પડ્યા.

માર્ગમાં વિંઝાણ ગામ આવ્યું. ત્યાંનો સ્વામી અજાજી હમ્મીરજીનો ભાયાત હોવાથી તેણે જામ હમ્મીરને તથા તેના કુમારોને અતિથિ તરીકે એક રાત પોતાને ત્યાં આગ્રહ કરીને રાખ્યા. રાત્રે શયન-