પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
પ્રાર્થના કે પ્રપંચ

વેળાએ અજાજીએ હમ્મીરજીને સ્પષ્ટતાથી કહ્યું કે “આપ રાવળને ત્યાં જાઓ છે, તે સારું નથી કરતા ; કારણ કે, આપ ત્યાંથી પાછા સહીસલામત ઘેર આવો એ આશા રાખવી વ્યર્થ છે. માનો કિંવા ન માનો એ આપની ઇચ્છાને આધીન છે.”

એટલામાં અજાજીની રાણી બહાર આવી લાગી અને તે પણ નેત્રોમાં નીર લાવી વિનયપૂર્વક કહેવા લાગી કે: “જો આપ કૃપા કરીને અહીંથી જ પાછા ઘેર જાઓ, તો તો બહુ જ સારું; પણ જો તેમ ન કરવું હોય, તો આ બે કુમારોને તો અહીં જ મૂકતા જાઓ.”

આ વાત હમ્મીરજીએ માન્ય કરી અને કુમારોને ત્યાં રહી જવા માટે સમજાવ્યા. સારા ભાગ્યે આ વખતે કુમારો પણ હઠને ત્યાગી પિતાના એ વચનને માની ગયા; કારણ કે, અજાજીની રાણી તે તેમની સગી માસી થતી હતી એટલે કુમારો કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વિના જ પ્રેમથી ત્યાં રહી ગયા. જે વેળાએ હમ્મીરજી બાડા ગામ તરફ જવાને રવાના થયો, તે વેળાએ તેની સાથે પોતાનાં માત્ર દશ બાર માણસો જ હતાં અને તેમાં એક છચ્છરબૂટો નામનો વૃદ્ધ અનુચર પણ હતો. એ છચ્છરબૂટો ઘણો જ નિમકહલાલ અને સ્વામિનિષ્ઠ હોવાથી અજાજીની રાણીએ જતી વેળાએ ગુપ્ત રીતે તેને કહી મૂક્યું કેઃ “જો દગાફટકાનો જરા પણ રંગ દેખાય, તો તું તરત સાંઢણીપર સ્વાર થઈને અહીં આવી પહોંચજે. તને વધારે ભલામણ કરવાની કાંઈ પણ અગત્ય નથી.”

છચ્છરબૂટાએ અજાજીની રાણીની એ ચેતવણીને હૃદયપટ પર કોતરી રાખી અને રાજાની સ્વારી સુખરૂપ બાડા ગામમાં જઈ પહોંચી. રાવળે તેમને નગર બહારની એક વિશાળ, સુંદર અને શોભાયુક્ત જગ્યામાં ઉતારો આપ્યો, અને હમ્મીરજીનો ઘણો જ આદરસત્કાર કર્યો. માત્ર બે દિવસ જ ત્યાં રહેવાનો જામ હમ્મીરને કરાર હોવાથી પ્રથમ દિવસે જ પોતાના મિષ્ટ ભાષણ અને નમ્ર વર્ત્તતનથી જામ હમ્મીરના મનમાં તેણે એટલો બધો વિશ્વાસ બેસાડી દીધો કે હમ્મીરજીના મનમાં તેની નિષ્કપટતા વિશે લેશ માત્ર પણ સંશય રહ્યો નહિ. તે તો મનમાં એમ જ માનવા લાગ્યો કે: “જે લોકો રાવળજી વિશે શંકાશીલ છે, તેઓ મૂર્ખ છે ! રાવળ જેવો પ્રેમી અને સત્ત્વશીલ બીજો કોઈ પુરુષ આ જગતમાં મળવો અશક્ય છે. સારા અને સુશીલ પુરુષોપર ખોટા આરોપ મૂક્વા એ જાણે આજકાલના સાંસારિક પામર જનોનો એક પરમ ધર્મ જ થઇ પડ્યો છે !”

તે દિવસ વીતી ગયો અને બીજા દિવસના પ્રભાતથી જ મેહમાનદારી