પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
કચ્છનો કાર્તિકેય

 જામ રાવળે મોટી ધામધૂમથી તૈયારીઓ કરવા માંડી. સમસ્ત નગરમાં આનંદ અને ઉત્સવનો રંગ દૃષ્ટિગોચર થવા લાગ્યો અને જયાં ત્યાં જામ હમ્મીરનાં ગુણગાન ગવાતાં કર્ણગોચર થવા લાગ્યાં. એ મેહફિલનો સમારંભ ગામ બહારની વિશાળ છાવણીમાં જ થવાનો હતો.

એ છાવણીમાંના બનાવનું અવલોકન કરવા પહેલાં આપણે કચ્છના ઇતિહાસનું કિચિદ્દ અવલોકન કરીશું : કારણ કે, તેથી જામ રાવળ તથા જામ હમ્મીરજીની જે પૂર્વશત્રુતાનો આપણી કથાનાં અમુક પાત્રોના મુખથી ઉપર ઉલ્લેખ થયેલો છે, તે શત્રુતાનું કારણ આપણા જાણવામાં આવશે અને તેથી આપણી કથાનો હવે પછીનો માર્ગ વધારે સરળ થઈ પડશે.

-🙠 ❀ 🙢-
પંચમ પરિચ્છેદ
કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ

કાળની અકળ ગતિ છે, અસ્ખલિત પ્રવાહ છે, અદ્‌ભુત પ્રભાવ છે અને અનંત આયુષ્ય છે. કાળના પ્રાબલ્યથી એક સમયે એક સ્થળમાં કેવળ શૂન્યતા હોય છે અને તે જ સ્થળમાં અન્ય સમયે કાળના પ્રભાવથી મહા આનંદકારક વસતિનો વિસ્તાર વૃદ્ધિગત થયેલો જોવામાં આવે છે. વળી એનો પણ કોઈ વેળાએ પાછો લોપ થઈ જાય છે. કાળના એવા સ્વભાવ કિંવા ધર્મ અનુસાર એક સમયમાં પશ્ચિમ પ્રદેશોમાંની કચ્છ નામક ભૂમિ એક ભયંકર અરણ્યરૂપે મહા ભય ઉપજાવનારી હતી. ભયંકર વનપશુઓ ત્યાં ભયંકર ધ્વનિ કરતાં વિચરતાં હતાં અને દુર્ભાગ્યયોગે જો ત્યાં કોઈ મનુષ્ય કિંવા ગ્રામ્ય પશુ આવી લાગતું, તો તેને તત્કાળ તેઓ યમપુરીનો વિકટ માર્ગ બતાવી દેતાં હતાં; અર્થાત્ ત્યાં વનપશુરૂ૫ પ્રજા જ વિહરતી હતી અને તેમના પર કેસરીસિંહો રાજસત્તા ચલાવતા જોવામાં આવતા હતા. એથી જાણે તેઓ એમ દર્શાવવા ઇચ્છતા હોયની કે, “જેમ આ સમયે અમો સર્વ વનપશુઓ પર સત્તા ચલાવીએ છીએ, તેમ એક સમય એવો પણ આવશે કે જ્યારે લક્ષાવધિ મનુષ્યો પોતાથી અધિક બળશાળી મનુષ્યસિંહોની સત્તાને આધીન વર્ત્તતા દૃષ્ટિગોચર થશે અને અમારા જેવા ભયંકર હિંસક પ્રાણીઓ તેમના શિકાર થઈ પડશે. અત્યારે ભયાનક ભાસતી ભૂમિ તે કાળે માંગલિક દીઠામાં આવશે અને જ્યાં આજે આકાશ સાથે વાર્ત્તાલાપ કરતાં અનેક ઉન્નત વૃક્ષો વિસ્તરેલાં દેખાય છે, ત્યાં તે અવસરે નાના પ્રકારની સુંદર અટારીઓ ગગન