પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કચ્છનો કાર્તિકેય
અથવા
જાડેજા વીર ખેંગાર

પ્રથમ ખંડ–સંધ્યા

પ્રથમ પરિચ્છેદ
યુવરાજજન્મતિથિમહોત્સવ

આપણે કચ્છના ઈતિહાસમાંના જે સમયની એક વિશિષ્ટ ધટનાનું પ્રસ્તુત નવલકથામાં સવિસ્તર વર્ણન કરવાનું છે, તે સમયમાં કચ્છ દેશની રાજધાની લાખ્યાર વિયરાની રચના તે સમયના આર્યાવર્તનાં સર્વ નગરો કરતાં વધારે ઉત્તમ કરવામાં આવી હતી. નગરનો વિસ્તાર તો થોડો હતો, પણ તેની શોભા વિશેષ હતી. એ નગર બે ચોરસ માઈલના વિસ્તારમાં વસેલું હતું, એટલે એ ગોળ ચક્રાકાર નહિ, કિન્તુ ચતુષ્કોણ હતું, અને તે ચારે ખૂણે નગરનો એકસરખો આકાર કરવામાં આવ્યો હતો. એ નગરમાંનાં ગૃહોની રચના એવી તો દક્ષતાથી કરાયેલી હતી કે સંધ્યાસમયે વનમાંથી ચરીને પાછી વળેલી ગાયો પોતાના નિત્યના નિવાસસ્થાનને પણ ભૂલી જતી હતી. પ્રત્યેક ગૃહના અગ્રભાગમાં સભાસદન સમાન એક વિશાળ ઓરડો જુદો રાખેલો જોવામાં આવતો હતો. પ્રત્યેક ગૃહ એક જ માળનું અને અગાસીવાળું કરેલું હતું તેમ જ તે ગૃહોના નીચેના ઓટલાઓનો આકાર પણ બહુ જ મનોહર દેખાતો હતો. બધાં ગૃહો પાષાણ તથા ચૂનાનાં જ બાંધેલાં હતાં તેમ જ ભીંત પણ ચૂનાથી ધોળાયેલી હતી. પ્રત્યેક ગુહમાં સ્વચ્છતા એવી તો સરસ રાખવામાં આવતી હતી કે, જો ભીંત આદિપર મક્ષિકા બેસે તો તે પણ લપસી જાય. ભીંતોનો આદર્શ શ્વેત દુગ્ધ સમાન દેખાતો હતો. ભીંતોપર દેશની પુરાતન પદ્ધતિ પ્રમાણે નાના પ્રકારનાં ચિત્રો ચિત્રવામાં આવ્યાં હતાં અને તે અતિશય રમણીયતાનો ભાસ કરાવતાં હતાં. ઘરોની ભીંતો એવી તો મજબૂત ચણેલી હતી અને તેમાં પાષાણો