પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ

નહોતો તેમ જ વધારે સ્નેહભાવ પણ હતો નહિ. તે પણ લાખા ફૂલાણીના દેવ થવા પછી જામ પુંઅરાએ કેરાનું રાજય ન લેતાં પોતાના પધરગઢના રાજ્યને સંભાળવાનું કાર્ય કર્યું. પરંતુ લાખા ફુલાણીના પરલોકવાસ પછી અન્ય દેશના ક્ષત્રિયોની દ્દષ્ટિ કચ્છ દેશપર આવી પડી. એટલામાં અધૂરામાં પૂરું એ થયું કે, જામ પુંઅરો ધૂમલીના વિઅડ ગુજ્જરની આથ વાળી આવ્યો એટલે વિઅડ પધરગઢપર ચઢી આવ્યો. એ યુદ્ધમાં સિંધના હમ્મીર સૂમરાને પુંઅરાએ પોતાની કુમકે બોલાવ્યો. હમ્મીર અને વિઅડ સામસામા લડ્યા. દ્વંદ્વયુદ્ધમાં હમ્મીરે વિઅડ ઉપર એક ગુણજ-એક પ્રકારના અસ્ત્ર-નો પ્રહાર કર્યો અને તેના પ્રહારને ચૂકવીને વિઅડે સામો તેનાપર ગુણજ નાખ્યો. એ પ્રહારથી હમ્મીરના દાંત ટૂટી ગયા અને તેથી બહુ જ કોપ કરીને તેણે વિઅડપર સાંગનો એક એવો તો પ્રચંડ પ્રહાર કર્યો કે તે તેને અને તેની પાછળ ઉભેલા એક ઘોડેસ્વારને વીંધીને પાર નીકળી ગઈ. અર્થાત્ વિઅડ રણમાં રોળાયો. પુંઅરાએ એવો નિશ્ચય કર્યો હતો કેઃ “જેના હાથે વિઅડનો નાશ થશે, તેને હું મારી કન્યા આપીશ.” એ પ્રતિજ્ઞા પ્રમાણે હમ્મીરને પોતાની રાજૈં રાણીથી ઉત્પન્ન થયેલી પુત્રી આપીને તે પોતે સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો.

પુંઅરાએ જામ લાખા પછી પાંસઠ વર્ષ રાજ્ય કર્યું અને ત્યાર પછી તે યક્ષોના હાથે મરાયો. પુંઅરાના મરણ સમયે તેની રાણી રાજૈં વૃદ્ધા થઈ ગઈ હતી. પરંતુ પુંઅરાની વૃદ્ધાવસ્થામાં પરણેલી એક બીજી રાણી બાર વર્ષના વયની બાળા હતી. તેણે પધરગઢમાં બેસી રહીને ઈશ્વરના ભજનમાં જ પોતાના જીવનનો સમય વીતાડવા માંડ્યો. એ સમયે દેશમાં બીજી કેટલીક ગડબડો ચાલવા લાગી હતી, પણ તેમાં એ રાણીએ જરા પણ ભાગ લીધો નહોતો. પરંતુ જ્યારે તેની પોતાની વૃદ્ધાવસ્થા થવા આવી અને અંતકાળ સમીપમાં દેખાવા લાગ્યો, ત્યારે તેના મનમાં પુત્રની આકાંક્ષાને ઉદય થયો. એવામાં એક દિવસ તેને સ્વપ્ન આવ્યું કે “તું સો વર્ષ કરતાં પણ વિશેષ અવસ્થા ભોગવી આવેલી છે અને હવે મરણરૂ૫ ભયંકર સમુદ્રના તીરે આવી ઉભી છે. તારા જીવનસમયમાં કચ્છની આટઆટલી દુર્દશા થઈ, પણ તારા મનમાં તેના ઉદ્ધારનો વિચાર ન આવ્યો !” એના ઉત્તરમાં રાણીએ પ્રાર્થના કરી કેઃ “હું અબળા જાતિ છું એટલે શું કરી શકું ?” એટલે સ્વપ્નમાં એનું પ્રત્યુત્તર મળ્યું કે: “સિંધમાંથી લાખાને બોલાવીને તેને દત્તક કરી સિંહાસને બેસાડ એટલે તેનો વંશ ચિરકાલ પર્યન્ત ચાલશે.”