પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
કચ્છનો કાર્તિકેય

પ્રભાતમાં રાણીએ ઘડિયા યોજન-એક ઘડીમાં ચાર ગાઉ ચાલનારસાંઢવાળાને બોલાવી પત્ર આપીને તેને નગરસમૈ તરફ મોકલી આપ્યો. તે બીજે દિવસે જ સિંધમાં જઈ પહોંચ્યો અને રાણીનું પત્ર લાખાના હાથમાં મૂક્યું. લાખાએ પત્ર વાંચ્યું અને મનમાં વિચાર કર્યો કે : “ભાવતું હતું અને વૈદ્યે કહ્યું.” તરત તે પત્ર લાખાએ પોતાના બંધુ લાખિયારને વાંચી સંભળાવ્યું અને તે બન્ને યોગ્ય વિચાર કરી ઉપર લખ્યા પ્રમાણે ઘાઆને જ પિતાના સિંહાસનનો ઉત્તરાધિકારી ઠરાવીને પોતે કચ્છમાં આવ્યા. લાખાને પુંઅરાની રાણીએ શાસ્ત્રવિધિપૂર્વક દત્તક લીધો અને ત્યાર પછી થોડા દિવસમાં જ તેને રાજયનો સ્વતંત્ર સ્વામી બનાવીને તે વૃદ્ધા રાજ્ઞી શાંતિથી પરલોકમાં પ્રયાણ કરી ગઈ.

પુંઅરાના મરણ પછી કેટલાંક કારણોને લીધે પધરગઢની પ્રજા ધીમે ધીમે ઓછી થવા માંડી હતી. લાખો જાડાણી જે વેળાએ ત્યાં આવ્યો, તે વેળાએ લોકવસતિ બહુ જ થોડી હતી. એવી પરિસ્થિતિને જોઈને લાખાએ પધરગઢની પાસે જ પોતાના ભ્રાતાના નામથી એક ગ્રામ કિંવા નગર વસાવ્યું. એ સ્થળે પાણીથી ઉભરાઈ જતો એક સુંદર વિયરો-કૂવો-હતો એટલે તેનું નામ પણ સાથે રાખવા માટે નગરનું નામ લાખિયાર વિયરો રાખવામાં આવ્યું અને એ નગરને તેણે પોતાની રાજધાનીનું પદ આપ્યું.

એ સમયથી કચ્છના રાજવંશીયો જાડેજા નામથી ઓળખાવા લાગ્યા. એનું કારણ એવું બતાવવામાં આવે છે કે, લાખાને જાડાએ દત્તક લીધો એટલે સિંધી ભાષા પ્રમાણે તે જાડેજો-જાડાનો-થયો અથવા કહેવાયો. બીજું કારણ એ કહેવાય છે કે, લાખો અને લાખિયાર એ બન્ને જોડિયા ભાઈ હતા. સિંધી અને કચ્છી ભાષામાં જોડિયા ભાઈને જાડા કહેવામાં આવે છે, એ વિશે કચ્છી ભાષામાં નીચે પ્રમાણે એક જૂનો દોહરો છે;—

“લાખો ને લખધીર, બએ જનમ્યા જાડા;
વૈરેં ઘર લાખો વડો, જેનું જાડેજા !"

એનો ભાવાર્થ એવો થાય છે કે: “વૈરેંજીને ત્યાં લાખો અને લખધીર –લાખિયાર-બે જોડિયા ભાઈ અવતર્યા. જેમાંનો લાખો મોટો પુત્ર હતો અને તેમાંથી જાડેજા થયા.” એ જામ લાખા પુંઅરાણીથી વંશ ચાલ્યો તે જામ લાખાનો જામ રાયધણ રત્તો થયો, તેના પુત્રો જામ ઓઠોજી, જામ ધાઓજી અને વેહેણજી થયા. એમની પછી જામ મૂળવોજી થયો; તે પછી જામ કાંયોજી, જામ અમરજી તથા ભીમજી થયા અને ત્યાર પછી જામ હમ્મીરજી થયો.