પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
ભંયકર વિશ્વાસઘાત

જીવનની ક્ષણભંગુરતા આજે ક્ષુધાતુર થયેલી છે અને તેથી તે કોઈ પણ ઉપાયે અવશ્ય પોતાના અદ્વિતીય ભક્ષ્યને મેળવીને પોતાની ભયંકર ક્ષુધાને શાંત તો કરવાની જ !

દિવસના લગભગ તૃતીય પ્રહરનો આરંભ થઈ ચૂક્યો હતો અને સૂર્યનારાયણ પ્રતિક્ષણે ધીમે ધીમે અસ્તાચલભણી ગમન કરતા જતા હતા. ગ્રામના બહિર્ભાગમાંનાં ક્ષેત્રોમાં, આજે ઉત્સવનો દિવસ હોવાથી, કૃષિકારો પોતાના વ્યવસાયમાટે આવ્યા નહોતા અને તેથી સર્વત્ર નિર્જનતા તથા શાંતિનું જ સામ્રાજય પ્રસરેલું દેખાતું હતું. જે સ્થળે જામ હમ્મીરજીને ઉતારો આપવામાં આવ્યો હતો, તેનાથી લગભગ બે વિઘાના અંતરે એક રમણીય આમ્રવૃક્ષરાજી આવેલી હતી અને ત્યાં વૃક્ષોની એવી તો ઘાટી ઘટા વિસ્તરેલી હતી કે જો એ ઘટાના મધ્યભાગમાં પાંચ પચાસ માણસ બેઠેલાં હોય અને તેઓ પોતપોતામાં સંભાષણ કરતાં હોય, તો માર્ગમાં ચાલનારાઓને તેમનાં શરીર દેખાય અથવા તેમનું સંભાષણ તેમના સાંભળવામાં આવે, એ સર્વથા અશક્ય અને અસંભવનીય જ હતું. એ આમ્રવૃક્ષરાજીના મધ્યભાગમાં અત્યારે એક કદાવર પુરુષ ઊભેલો હતો. તેણે પોતાના શરીરને કૃષ્ણવર્ણ વસ્ત્રોવડે આચ્છાદિત કર્યું હતું અને મુખભાગને નકાબની મદદથી છુપાવી રાખ્યો હતો એટલે તેના મુખમંડળના દર્શનનો લાભ મળી શકતો નહોતો. તે વારંવાર આમતેમ ચારે તરફ દૃષ્ટિપાત કરતો હોવાથી કોઈ બીજાં માણસોના આવવાની વાટ જોતો હોય, એવું સ્પષ્ટ અનુમાન કરી શકાતું હતું. પરંતુ અદ્યાપિ કોઈ પણ મનુષ્ય ન આવી લાગવાથી તે ઉપર પ્રમાણેના ઉદ્‌ગારો કાઢવામાં નિમગ્ન થયો હતો. થોડી વારમાં જ એ પુરુષ સમાન જ કૃષ્ણવસ્ત્રધારી અને શસ્ત્રધારી બીજા ચાર પુરુષો ત્યાં આવી લાગ્યા અને પ્રથમ પુરુષને મસ્તકવડે નમન કરીને તેની આજ્ઞાની પ્રતીક્ષા કરતા ઊભા રહ્યા. તેમને ઉદ્દેશીને તે પ્રથમ પુરુષ ગંભીરતાથી કહેવા લાગ્યો કે:—

"મારા બહાદુર શેરો, આજના ભયંકર કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ ઉપર જ આપણા ભાવિ ઉદયનો સઘળો આધાર રહેલો છે; માટે મનમાં જરા પણ ભય ન રાખતાં જીવ૫૨ ઉદાર થઇને એ કાંટાને તલ્વારના એક જ વારથી છાંટી નાખજો !”

"ચામુંડરાજ, અમે જામ હમ્મીરના જીવનરૂ૫ દીપકને આ તલ્વારની માત્ર એક જ ફૂંકથી બુઝાવી નાખીશું; કારણ કે, એમ કરવાથી જ લક્ષ્મી અમારા ઘરમાં પધારશે. આજે અમોએ એવો જ નિશ્ચય કર્યો છે કે, કાં તો આ તલ્વારથી રાજાનું માથું લેવું અને કાં તો આ અમારું