પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
ભયંકર વિશ્વાસઘાત

પરમેશ્વર પોતે પણ ખુશામદથી જ પ્રસન્ન થાય છે, ત્યાં બિચારા મનુષ્યની શી કથા ?” ચામુંડરાજે ખુશામદનું ખુશામદથી સમર્થન કર્યું.

જામ રાવળ, ચામુંડરાજ તથા બીજા સરદારો સામા ગયા અને જામ હમ્મીરજીને તેના અનુયાયિજનો સહિત મંડપમાં લઈ આવ્યા. જામ હમ્મીર પોતાને આસને વિરાજમાન થતાં જ જામ રાવળના ઈશારાથી ગવૈયાઓએ સંગીતની પ્રસ્તાવના તરીકે નીચેના છંદોના ઉચ્ચાર કરવા માંડ્યા અને ત્યાર પછી વારાંગનાઓએ નૃત્ય સહિત સંગીતનો આરંભ કર્યો;––

ગવૈયો:––ઘનઘોર ઘટાયેં છાઈ હયઁ, રુત બદલી આજ જમાનેકી;
પી ઔર પિલાતા જા સાકી, હે ખયર તેરે મયખાનેકી.

૨ ગવૈયો:––નરગિસ કે ઇશારે હોતે હયઁ, ફૂલોંકા રંગ બદલતા હય;
ગુન્ચેકી સુરાહી ઢલતી હય, લાલેકા પ્યાલા ચલતા હય;

ગવૈયો:––સબ રિન્દ હયઁ મસ્ત અલસ્ત બને, મય દસ્ત બદસ્ત ઉડાતે હયઁ;
સબ સંગ તરંગ ઉમંગમે હયઁ, સૌ ઢંગસે રંગ જમાતે હયઁ !

સંગીત

વારાંગનાઓઃ–ભર ભર જામ પિલા ગુલલાલા બના દે મતવાલા;
તૂ લા લા લા લા––ભર ભર.

૪ ગવૈયો:–– સાકિયા, તરસા ન તૂ એક બૂંદ પાનીકે લિયે;
દિલ તડપતા હય શરાબે અર્ગવાનીકે લિયે;
ફિર કહાં યે દોસ્ત હોંગે ઔર કાહાં યે બજમે દોસ્ત;
આ ગઈ પીરી તો રોએંગે જવાનીકે લિયે.

'વારાંગનાઓ:-તૂ લા લા લા લા––ભર ભર.

એ નૃત્ય અને સંગીત વ્યાપારની સાથે મદિરાપાનનો વ્યવસાય પણ ચાલૂ જ હતો. અંતે સૂર્યનો અસ્ત થયો, અંધકારનો અધિકાર જામી ગયો અને મદિરાપાનનો રંગ પણ વધારે ચઢતો ગયો એટલે એમાં વધારે સમય ન વીતાડતાં એ આનંદનો પ્રકાર બંધ કરવામાં આવ્યો. જામ હમ્મીર પોતાની થયેલી સરભરાથી આનંદિત થઈને અંતઃકરણપૂર્વક જામ રાવળનો આભાર માનતો કહેવા લાગ્યો કે :––

"જામ રાવળજી, તમોએ આજે મારો આટલો બધો સત્કાર કરીને પોતાની ભાતૃભક્તિ તથા રાજભક્તિનું જે અદ્વિતીય દર્શન કરાવ્યું છે, તેમાટે તમારો હું જેટલો આભાર માનું તેટલો થોડો જ છે. સર્વ આર્યજનો તમારા જેવા જ સુશીલ અને કર્તવ્યપરાયણ થાઓ, એ જ મારી તે જગન્નિયંતા જગદીશ્વરનાં ચરણોમાં નિરન્તર પ્રાર્થના છે.”