પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
કચ્છનો કાર્તિકેય

"સેવા અને રાજનિષ્ઠા એ જ અમારો ધર્મ છે અને એનું જ અત્યારે મેં યોગ્યતાથી પાલન કર્યું છે. સિંહાસન, રાજ્ય, રાજા, રાજપરિવાર અને રાજ્યાધિકારીઓની એકનિષ્ઠાથી સેવા કરવી એ અમારું કર્તવ્ય છે અને એ સેવાનો સ્નેહથી સ્વીકાર કરવો, એ આપનું કર્ત્તવ્ય છે. આજે અમોએ આપનો જે સત્કાર કર્યો છે, તે કરવાને અમે બંધાયલા જ છીએ એટલે એમાં આભાર કે ઉપકાર માનવા જેવું કાંઈ પણ નથી. છતાં વિવેકના આવા શબ્દો ઉચ્ચારીને આપ મારા ગૌરવને વધારો છો એ માત્ર આપની ઉદારતા અને સુજનતા જ છે. મેં મારા કર્ત્તવ્યથી વિશેષ કાંઈ પણ કર્યું નથી,” જામ રાવળે મધુર સુધા સમાન વાણીથી એ વાક્યો ઉચ્ચાર્યાં અને હસ્ત જોડીને નમ્રતા પ્રદર્શિત કરી.

"મહારાજાના આજે અહીં પધારવાથી ગ્રીષ્મકાળમાં વસન્ત-વિલાસનો જ ભાસ થાય છે,” એક સરદારે રાજાની પ્રશંસા કરીને કહ્યું.

“મને તો અમાવાસ્યાની રાત્રિમાં એકાએક ચંદ્રનો જ પ્રકાશ દેખાય છે,” બીજા સરદારે અતિશયોક્તિ કરી.

"ઈન્દ્રભુવનમાં આજે ઈન્દ્રનું આગમન થયેલું જણાય છે. મારા દીનગૃહને મહારાજાના ચરણસ્પર્શથી પવિત્ર થયેલું જોઈને મારા અંતઃકરણમાંમો આનંદ છલકાઈ જાય છે,” જામ રાવળે સ્તુતિસ્તોત્ર ગાયું.

"આજે સૂર્ય તથા ચંદ્રે પોતાના પરાપૂર્વના વૈરભાવનો ત્યાગ કર્યો હોય, એમ જ જણાય છે અને તે ઉભયનો એક સમયાવચ્છેદે ઉદય થયેલો દેખાય છે. મહારાજા જામ હમ્મીરજી સૂર્ય છે અને આપણા સ્વામી જામ રાવળ ચંદ્ર છે કે જેઓ આ સરદારરૂપ નક્ષત્રોના મધ્યમાં અત્યારે સિંહાસનરૂઢ થયેલા છે,” ચામુંડરાજે સીમાનું ઉલ્લંઘન કરીને પૂર્ણ અતિશયોક્તિરૂપ વાક્યોનો ઉચ્ચાર કર્યો."

એટલામાં એક અનુચરે આવીને પ્રાર્થના કરી કે “ભોજનની સર્વ તૈયારી થઈ ચૂકી છે; માટે પધારો.”

"મહારાજ અને સરદારો, ચાલો પધારો ભોજનાલયમાં,” જામ રાવળે પ્રાર્થના કરી.

"ભોજનાલયમાં કે યમાલયમાં?” છચ્છરબૂટાએ પોતાના મનમાં પ્રશ્ન કર્યો અને તે જાણી જોઈને એક તરફ ખસી ગયો.

જામ હમ્મીર, જામ રાવળ અને ચામુંડરાજ બીજા સરદારોથી છૂટા પડીને ખાસ તંબૂતરફ ચાલવા લાગ્યા. જામ હમ્મીર આગળ ચાલતો હતો અને રાવળ તથા તેનો સાથી પાછળ પાછળ ચાલ્યા જતા હતા; કારણ કે, તેમના આગળ ચાલવાથી શિષ્ટાચારનો ભંગ થવાનો સંભવ હતો. જામ