પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કચ્છનો કાર્તિકેય

એવા તો મજબૂત બેસાડેલા હતા કે નગરને દુર્ગવડે રક્ષિત કરવાની આવશ્યકતા પણ ટળી ગઈ હતી. નગરને છેડે જેટલાં ઘરો હતાં, તે બધાંની પછીતો નગરના બાહ્ય ભાગમાં પડેલી હતી અને તેમણે દુર્ગનું સ્વરૂપ ધારણ કરેલું હોવાથી જાણે તે ચતુષ્કોણ દુર્ગમ દુર્ગ જ હોયની ! એવો જ જોનારને ભ્રમ થઈ જતો હતો. ઘરોમાં બારી અને બારણાં અસ્સલ મલબારી સાગનાં જ નાખવામાં આવ્યાં હતાં અને તેમનાપર સોનેરી પીળો રંગ ચઢાવેલ હોવાથી જાણે તે સુવર્ણનાં જ બનાવેલાં હોયની ! એ જ આભાસ થતો હતો. ઘરોની ભીંતોનો સ્વાભાવિક કિલ્લો બની ગયેલો હોવાથી નગરનાં ચાર દ્વારા મેહરાબવાળાં બનાવેલાં હતાં અને તેમાં પ્રત્યેક વેળાએ ચોકીદાર સિપાહીઓ બેઠેલા જોવામાં આવતા હતા. નગરના મધ્યભાગમાં તે સમયના રાજા જામ હમ્મીરનું સભાસદન દૃષ્ટિગોચર થતું હતું અને તેની રચના એવી કરાયેલી હતી કે તેને જોતાંની સાથે કોઈ પણ પ્રેક્ષક પ્રથમ દૃષ્ટિએ જ આનંદમાં લીન થઈ જતો હતો. ઘણી જ ઉત્તમ કારીગરીથી બાંધેલા એક સુંદર સરોવરના મધ્યભાગમાં થોડોક બેટ જેવો શુષ્ક ભૂમિભાગ રાખેલો હતો અને તેમાં સભાસદન બાંધવામાં આવ્યું હતું. ચાર દિશાએ જવા આવવા માટેના ચાર પાષાણ માર્ગો કાઢેલા હતા અને તે માર્ગો એવા તો સરળ હતા કે નગર બહાર જવાના માર્ગો પણ ત્યાંથી સ્પષ્ટ દેખાતા હતા. સભાસદનમાંના સભાસ્થાનની રચના એવી તો અદ્‌ભુત કરવામાં આવી હતી કે જાણે ઇન્દ્રના નિવાસ માટે સાક્ષાત્ વિશ્વકર્માએ જ એની રચના કરી હોયની ! એવી જ કલ્પના થતી હતી. આસપાસ વિસ્તરેલા સરોવરમાં સ્વચ્છ સલિલ સદોદિત ભરેલું જ રહેતું હતું. એ સરોવરના તીરે વળી એક ઉપવન પણ કરવામાં આવ્યું હતું અને તેમાંનાં વિવિધ પ્રકારનાં પુષ્પોના સ્પર્શથી સુગંધિત થયેલા મન્દ મન્દ વાયુની લહરીઓનો સ્પર્શ શરીરને સંતોષદાયક થતો હતો-એથી સર્વ શારીરિક ઉપદ્રવોનો લય થતો હતો અને અંતઃકરણમાં પણ આનંદની ભાવના વ્યાપતી હતી.

નગરના બહિર્ભાગમાં ચતુર્દિશાએ ચાર સરોવરો જોવામાં આવતાં હતાં. એ સરોવરો બહુ જ સુન્દર અને મનોહર હતાં તથા તેમના તીરપ્રદેશમાં મનોહર ઉદ્યાનોનો વિસ્તાર હોવાથી ત્યાંની મનોરંજકતા અવર્ણનીય થયેલી હતી. પ્રત્યેક ઉદ્યાનમાં એક એક મહાલય પણ કરવામાં આવ્યા હતા અને કોઈ કોઈ વાર રાજા પોતે આવીને તેમાં પોતાનો નિવાસ કરતો હતો. જ્યારે વર્ષાકાળ હોય, તે વેળાએ તો એ તળાવોમાં વર્ષાનું પાણી જ ભરાતું હતું, પરંતુ જો વૃષ્ટિનો