પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
ભયંકર વિશ્વાસઘાત

હમ્મીર તંબૂમાં જઈને બેઠો અને પકવાનથી પિરસેલો સોનાનો થાળ તેના મુખ આગળ લાવીને રાખવામાં આવ્યો. પાણી લાવવાના નિમિત્તથી જામ રાવળ તથા ચામુંડરાજ તંબુમાંથી બહાર નીકળી આવ્યા અને રાજાએ હજી તો ભોજનનો એક ગ્રાસ પણ લીધો નહોતો એટલામાં તો તંબૂના ચાર તરફના ચાર દરવાજામાંથી ચાર જલ્લાદો આવીને તેના શરીર પર ટૂટી પડ્યા અને તલ્વારોના વારથી તેને ત્યાનો ત્યાંજ ઠાર કરી નાખ્યો. જામ હમ્મીર વિશ્વાસઘાતનો ભોગ થઈને અકાળ મૃત્યુને આધીન થયો. રાણીની શંકા સત્ય સિદ્ધ થઈ.

એ નિર્દયતાપૂર્ણ કૃત્ય પૂરું થતાં જ તંબૂની બહાર ઊભેલા રાવળે ચામુંડરાજને આજ્ઞા કરી કેઃ “સર્પનો તો નાશ થયો. પણ અદ્યાપિ સર્પના સંતાનો જીવતાં છે. હમ્મીરના બે કુમારો વિંઝાણમાં અજાજીને ત્યાં છે, માટે અત્યારે જ થોડાંક માણસોને લઈને મારતે ઘોડે જાઓ અને એ કુમારોને પણ પોતાના પિતાની સેવા કરવામાટે યમલોકમાં મોકલી આપો. સમજો કે, એટલું કાર્ય કરવાની સાથેજ તમારા ભાગ્યનો પૂર્ણ ઉદય થયો !”

"ચિન્તા ન કરો; આ ચાલ્યો,” એમ કહીને ચામુંડરાજ ત્યાંથી ચાલતો થયો અને વિંઝાણ તરફ જવાની તૈયારી કરવા લાગ્યો.

રાવળે ચામુંડરાજને જે આજ્ઞા કરી તે હમ્મીરજીના નિમકહલાલ નોકર છચ્છરબૂટાએ સાંભળી; કારણ કે, તે પાસેના એક વિશાળ વૃક્ષની આડમાં છુપાઈને ઊભો હતો પણ અંધકારનો વિસ્તાર વધેલો હોવાથી રાવળ કે તેનો સાથી બન્નેમાંથી કોઈ પણ તેને જોઈ શક્યો નહોતો. તે વિશ્વાસઘાતક નરપિશાચની આજ્ઞાથી ચાલાક છચ્છરબૂટો પોતાના સ્વામીના સ્વર્ગવાસની વાર્ત્તાને જાણી ગયો અને વખત ઘણો જ બારીક હોવાથી શોક કરવા માટે ત્યાં ન રોકાતાં પોતાના રાજાના બે કુમારોના પ્રાણ બચાવવાનો નિશ્ચય કરીને છુપી રીતે જ તે ત્યાંથી પલાયન કરી પોતાની સાંઢણીપર સ્વાર થઈને વાયુના વેગથી વિંઝાણ તરફ ચાલતો થયો.

સાંઢણી અત્યંત દ્રુતગામિની હોવાથી ચામુંડરાજ હજી તો બાડામાં પ્રવાસની તૈયારી કરતો બેઠો હતો તેટલા સમયમાં તે છચ્છરબૂટો કેટલાક ગાઉનો પંથ કાપી ગયો. “મરણ થાય તો થાય, પણ રાજકુમારોના પ્રાણ ન જાય !” એ જ તેની એક માત્ર મનોભાવના અને મહત્ત્વાકાંક્ષા હતી. તે પોતાની મનોભાવનાને સફળ કરી શક્યો કે કેમ, એ હવે આપણે દ્વિતીય ખંડમાં જોઈશું.