પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
કચ્છનો કાર્તિકેય

દ્વિતીય ખણ્ડ-નિશીથ


પ્રથમ પરિચ્છેદ

પલાયન

ઉષઃકાળ થવામાં હજી થોડો વિલંબ હતો અને સંસારના સર્વ જીવો નિદ્રાની શાંતિનો આસ્વાદ લેતા શય્યાશાયી થયેલા હોવાથી સૃષ્ટિએ જાણે શાંતિનું જ સ્વરૂપ ધારણ કરેલું હોયની ! એવો જ સર્વત્ર ભાસ થતો હતો. એવા શાંતિના સમયમાં છચ્છરબૂટો વિંઝાણ નગરમાં આવી પહોંચ્યો અને અજાજીના મહાલયના દ્વારપર એકાએક પોક મૂકીને તેણે રડવાનો આરંભ કરી દીધો. અજાજીની રાણી અચાનક ગભરાઈને જાગી ઊઠી અને જોયું તો છચ્છરબૂટો બારણામાં રડતો બેઠો હતો. તે બાઈના મનમાં અનેક પ્રકારની કુશંકાઓ થવા લાગી અને તેથી તેણે આતુરતાથી પૂછ્યું કેઃ “છચ્છ૨, શી અશુભ ઘટના ઘટી છે અને તું આટલો બધો શામાટે રડે છે, તે સત્વર જણાવી દે; કારણ કે, આવા પ્રસંગે વિલંબ કરવાથી અનિવાર્ય હાનિ થવાનો સંભવ હોય છે, એ તો તું જાણે જ છે.”

"મહારાણી, આપે અને આપના પતિએ મહારાજ જામ હમ્મીરજીને ઘણાય સમજાવ્યા અને જામ રાવળમાં વિશ્વાસ ન રાખવા માટેનો જોઈએ તેટલો ઉપદેશ આપ્યો, પણ મહારાજાએ કોઈનું કહેવું ન માન્યું, તેઓ એકના બે ન થયા અને તેનું પરિણામ એ આવ્યું કે આજે તેઓ આ સંસારમાં નથી!” છચ્છરબૂટાએ આંસૂ લૂછતાં લૂછતાં અશુભ વાર્ત્તા સંભળાવી.

"મહારાજા આ સંસારમાં નથી એટલે ? જરા સ્પષ્ટ કહે,” મહારાણીએ વિશેષ આતુરતાથી પૂછ્યું.

“એટલે એ જ કે, તેઓ જામ રાવળનાં કાવત્રાંના ભોગ થઈ પડ્યા છે અને આ પ્રપંચી સંસારને ત્યાગીને અક્ષય્યસુખદાયક સ્વર્ગમાં વાસ કરવાને ચાલ્યા ગયા છે!” છચ્છરે સ્પષ્ટ ખુલાસો કરી સંભળાવ્યો.

“હાય ! મારી ભગિનીનું ભાગ્ય ભાંગી ગયું અને કુમારો નિરાધાર થયા ! ઓ દુષ્ટ જામ રાવળ, તને આવી કુબુદ્ધિ ક્યાંથી સુઝી ! આ તેં કયા ભવનું વૈર વાળ્યું ? હે ભગવન ! તું પણ આજે નિર્દય થઈ ગયો કે શું ? અન્તે ધર્મનો જય થાય છે, એમ લોકો કહેતા હોવા છતાં આજે પાપનો જ વિજય થયેલો દેખાય છે !” એમ બોલતી ખજાજીની રાણી મૂર્ચ્છિત થઈને ભૂમિપર ઢળી પડી.