પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
કચ્છનો કાર્તિકેય

ભાવનામાં કોઈ કાળે પણ પરિવર્તન થવાનું નથી. જામ રાવળ પોતાનાં કુકર્મોમાં જેવો એક જ શયતાન છે, તેવો જ ધારજો કે, આ દાસ ધર્મના માર્ગમાં ચાલનારો એક જ ઇન્સાન છે. રાજનિષ્ઠા અને સ્વામિસેવા એ એક જ મારું ધ્યાન છે— મારો એક જ ધર્મ છે અને એક જ ભગવાન્ છે !—

'જો થાઉં અરિનો મિત્ર હું નૃપબાળથી ટૂટી અહીં;
તો લવણ મારા દેહમાંથી નીકળે ફૂટી અહીં !'

—એ સિદ્ધાન્તને હું સારી રીતે સમજુ છું. જો આ બે રાજરત્નોનું રક્ષણ કરતાં હું શત્રુના શસ્ત્રનો ભક્ષ થઈશ, તો અવશ્ય સ્વર્ગમાં જઈશ ! મારા જીવન કે મરણનો મને જરાય વિચાર નથી, માટે નિશ્ચિન્ત રહો !” છચ્છરે આશ્વાસન આપતાં જણાવ્યું.

"શાબાશ, નિમકહલાલ નોકર, શાબાશ ! ! નોકર હો, તો તારા જેવા જ હોજો !” રાણીએ શાબાશી આપી.

માતા સમાન માસીથી વિખૂટા પડવાનો પ્રસંગ આવતાં જ બન્ને કુમારો તેને બાઝી પડ્યા અને રોતા રોતા કહેવા લાગ્યા કેઃ “ના, અમે તો તમને છોડીને ક્યાંય જવાના નથી.” એટલે તેમને આશ્વાસન આપતી માયાળુ રાણી કહેવા લાગી કેઃ “મારા પ્રાણાધિક બાળકો, અત્યારે રોવાનો કે બાળહઠ કરવાનો પ્રસંગ નથી. મારી આજ્ઞાને માન આપીને અત્યારે તો સિધારો. તમે જ્યારે પોતાના પિતાના વધકર્ત્તા પાસેથી વૈરનો બદલો લ્યો ત્યારે જ ખરા સૂપુત્ર અને ક્ષત્રિયકુળદીપક નામને શોભાવનારા કહેવાશો. આપત્તિના અવસરમાં આમ રોદન કરવું, એ ક્ષત્રિયબાળકને શોભતું નથી. દૃઢતા ધારો અને સિધારો ! ઈશ્વર તમને ચિરાયુ કરશે !”

કુમારો તરત રોતા બંધ થઈ ગયા અને પોતાની મેળે જ આગળ ચાલીને છચ્છરના સાહાય્યથી સાંઢણીપર સવાર થયા. છચ્છર પોતે પણ સાંઢણીપર બેઠો અને પ્રવાસની સઘળી તૈયારીઓ થઈ ચૂકી, રાણીએ થોડીક સોનામોહોરો છચ્છરને આપી અને કુમારોને આશીર્વાદ આપીને કહ્યું કેઃ “પુત્રો, પરમાત્મા તમારું કલ્યાણ કરો અને તમો પુનઃ સત્વર જ કચ્છ ભૂમિના સ્વામી થઈને વિજયપતાકાસહિત પાછા ફરો, એ જ મારો આશીર્વાદ છે !"

"હં-પણ મારે કુમારોને લઈ ક્યાં જવા ? આપના ધ્યાનમાં એવું કોઈ નિર્ભય સ્થાન છે ખરું કે ?” છચ્છરે સાંઢણીને ઉઠાડ્યા પછી અચાનક મનમાં એક વિશિષ્ટ કલ્પનાનો ઉદય થવાથી એ સવાલ કર્યો.