પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
કચ્છનો કાર્તિકેય

મોકલું છું.” એ પ્રમાણેનું ઉત્તર આપીને અજાજી પોતાના અંતઃપુરમાં ચાલ્યો ગયો.

ચામુંડરાજ અજાજીના વચનમાં વિશ્વાસ રાખી કુમારોના આવવાની વાટ જોતો ઊભો રહ્યા, વાટ જોવામાં બીજો પણ અર્ધ પ્રહર જેટલો સમય વીતી ગયો, પણ કુમારો તો દેખાયા જ નહિ એટલે તેણે અંતઃપુરની દાસીને બોલાવીને અજાજીને બહાર મોકલવાની આજ્ઞા કરી. અજાજીએ આવતાની સાથે જ આશ્ચર્ય બતાવીને કહ્યું કે "શું હજી કુમારો નથી આવ્યા કે ? હું અંતઃપુરમાં તેમને બહાર મોકલવાનું કહેવડાવીને સ્નાન કરવા રોકાયો હતો. ક્ષમા કરજો, આપને આટલી વાર વ્યર્થ ખોટી થઈ રહેવું પડ્યું. તેમને હમણાં જ હું બોલાવી મગાવું છું.” એમ કહીને તેણે દાસીને આજ્ઞા કરી કેઃ “જા અને અંતઃપુરમાંથી કુમારોને અહીં લઈ આવ.”

દાસી નમન કરીને ગઈ અને થોડી વાર પછી પાછી આવીને કહેવા લાગી કેઃ “અંતઃપુરમાં કુમારો નથી અને રાણી સાહેબને પૂછતાં તેઓ એમ કહે છે કે, 'જામ હમ્મીરજીનો એક નોકર અત્યારે જ અહીં આવ્યો હતો અને તે 'હમ્મીરજી તેમને બોલાવે છે એમ કહીને કુમારોને લઈ ગયો.' કુમારો આપણે ત્યાં નથી, અન્નદાતા !"

ચામુંડરાજના મનમાં એ જવાબ સાંભળતાં જ નિરાશા વ્યાપી ગઈ અને તે કોપાયમાન થઈ ગયો, કોપ દર્શાવતો અજાજીને ઉદ્દેશીને તે કહેવા લાગ્યો કે “અજાજી, મારો તમારા અને તમારી રાણીના બોલવામાં વિશ્વાસ બેસતો નથી. આપે જો સીધી રીતે કુમારોને અમારા હાથમાં સોંપી દીધા હોત, તો આપની આબરૂપર હલ્લો કરવાનું અમને કાંઈ પણ કારણ નહોતું. પણ હવે તો અમારે આપના અંતઃપુરમાં પેસીને કુમારોનો શોધ ચલાવવો જ પડશે.” એમ બોલી તે ઘોડાપરથી નીચે ઊતરી પડ્યો અને પોતાના કેટલાક સિપાહીઓને લઇને જોર જબરદસ્તીથી અજાજીના અંતઃપુરમાં ઘુસી ગયો. આખા ઘરમાં અને ઘરના ખૂણે ખૂણામાં તેણે કુમારોનો શોધ ચલાવ્યો, પણ ક્યાંય તેમનો પત્તો મળી શક્યો નહિ. કુમારો ત્યાં હોય તો પત્તો મળે ને ? કુમારો તો આપણે જોયું તેમ ક્યારનાય ચાલ્યા ગયા હતા. અજાજીએ માત્ર તેમને ખોટી કરવા માટે જ જૂઠાં બહાનાં બતાવ્યાં હતાં.

સર્વ રીતે નાસીપાસ થવાથી ચામુંડરાજ અજાજીને કહેવા લાગ્યો કેઃ “કુમારો અહીં નથી, એ વાત ખરી છે; પણ તેમને કોઈ આવીને સ્વાભાવિક રીતે જ લઈ ગયું કે તમે જાણી જોઇને નસાડી દીધા, એ વિશે મારા મનમાં શંકા છે. પણ ચિન્તા નહિ; જો મારું માથું સલામત