પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
પલાયન

છે, તો તેમને હું સાતમા પાતાળમાંથી પણ બહાર ખેંચી કાઢીશ, સિપાહીઓ, અહીં કોઈ સારો પગી હોય, તો તેને બોલાવો; જો તે સીધી રીતે ન આવે તો તેને બળાત્કારે પણ પકડી લાવો.”

તરત સિપાહીઓ દોડ્યા અને તેમણે ગામમાં શોધ ચલાવ્યો પણ ગામમાં કોઈ પગી મળ્યો નહિ. ત્યાંથી બે ગાઉના અંતરે આવેલા એક ગામડામાં પગીનું ઘર હતું, ત્યાંથી તેઓ પગીને લઈ આવ્યા અને એ બધી વ્યવસ્થા થતાં સુધીમાં તો મધ્યાન્હનો સમય થઈ ગયો.

અહીં અમારે કચ્છના પગીની થોડીક હકીકત આપવી જોઈએ. પગીઓ તો જો કે કાઠિયાવાડ, સોરઠ અને ગુજરાતમાં પણ છે, પરંતુ કચ્છના પગીઓ પગલું લઈને ચોર અથવા નાસનારને પકડી પાડવામાં આજે પણ સર્વથી શ્રેષ્ઠ મનાય છે. એ લોકો જાતના કોળી કે ભિલ હોય છે અને બહુધા પોતે પણ ચોરી કે લૂટફાટના ધંધાપર જ ગુજરાન ચલાવતા હોવાથી સ્વાભાવિક રીતે જ એ પગલાં ઓળખવાની વિદ્યામાં અત્યંત નિપુણ થયેલા હોય છે. પગીને તેના આવતાંની સાથે જ ચામુંડરાજે કહ્યું કે:—

“પગી કાળા, આજે તું જો તારી ચાલાકીનો સારો ઉપયોગ કરી બતાવીશ. તો તારી ભવની ભાવઠ ભાગી જશે અને હવે પછીના તારા દિવસો સુખવિલાસમાં જ જશે. એક માણસ બે રાજકુમારોને લઇને અહીંથી પલાયન કરી ગયો છે અને તેને રાજકુમારો સહિત આપણે પકડી પાડવાનો છે. જો તારી વિદ્યાથી તે પકડાશે, તો તું ધનવાન્ બની જાય એટલું મોટું ઇનામ તને આપવામાં આવશે.”

“અન્નદાતા, અમારો તો એ ધંધો જ છે. પગલું તો બરાબર લઇશ, પછી ચોર મળે કે ન મળે એ તો કિસ્મતની વાત” એમ કહીને પગી કાળો કેટલેક દૂર સુધી ચાલ્યો ગયો અને માર્ગમાંનાં પગલાં જોવા લાગ્યો. માણસનાં પગલાં વધારે લંબાયલાં તેના જોવામાં ન આવ્યાં, પણ સાંઢણીનાં પગલાં આગળ વધ્યાં અને તેથી મનમાં વ્હેમ આવતાં તે પાછો વળીને ચામુંડરાજને કહેવા લાગ્યો કે: “અન્નદાતા, નાસનાર ચોર પગે ચાલીને તો નથી ગયો, પણ ઊંટ કે સાંઢણીપર સવારી કરીને ગયો છે; માટે મારો એવો વિચાર થાય છે કે આપણે ઊંટનાં પગલાં લઈને જ આગળ વધીએ તો વધારે સારું.”

“ભલે એમ તો એમ. અમને તો કોઈ પણ રીતે અમારા ચોર મળવા જોઈએ.” ચામુંડરાજે કહ્યું.

પગીને એક ઘોડો આપવામાં આવ્યો અને તે ઘોડેસવાર થઈને આગળ આગળ ચાલવા લાગ્યો. તેની પાછળ પાછળ ચામુંડરાજ અને