પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
જામ રાવળનો જોહાકી જુલમ


દ્વિતીય પરિચ્છેદ
જામ રાવળને જોહાકી જુલમ
અથવા
મહત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળકબળિદાન!!

"Cromwell, I charge thee, fling away ambition;
By that sin tell the Angels."
Shakespere.

છચ્છરબૂટો કુમારોને લઈને સાપર નામના એક ગામડામાં આવી પહોંચ્યો. સાપર ગામનો ભીંયો નામનો મિયાણા જાતિનો પટેલ હતો. તે વિશ્વાસપાત્ર અને રાજભક્ત પુરુષ હોવાથી છચ્છરે તેને અથથી ઇતિ પર્યન્ત રાજ્યક્રાન્તિનો સમસ્ત વૃતાંત કહી સંભળાવ્યો અને બન્ને કુમારોને તેના હાથમાં સોંપી દીધા. ભીંયાએ ગામ બહાર ખડકેલી ઘાસની મોટી મોટી ગંજીઓમાંની એક ગંજીમાં બન્ને કુમારો બેસી શકે એટલી વચ્ચે જગ્યા કરીને તેમાં કુમારોને બેસાડી દીધા અને છચ્છરબૂટાને તથા સાંઢણીને તે ગામની પાસે આવેલા ચિત્રોડ નામક પર્વતપ્રદેશમાં લઈ ગયા અને છચ્છરને ત્યાં જ સંતાઈ રહેવાનું કહીને તે પોતે પાછો ગામમાં આવી લાગ્યો. ભીંયાના જવા પછી છચ્છરે મનમાં વિચાર કર્યો કે: “ઊંટના અઢારે અંગ વાંકાં એટલે એ પ્રાણી છુપું રહી શકવાનું જ નથી એટલામાટે એને એના ભાગ્યના આધારે છોડી દઈને મારે કોઈ પણ ઉપાયે ગુપ્ત રહીને જીવ બચાવવાનો માર્ગ અવશ્ય શોધી કાઢવો જ જોઈએ.” એ પ્રમાણેનો નિશ્ચય કરી સાંઢણીને ત્યાં જ ચરતી મૂકી દઇને તે પોતે ગિરિની એક ગુહામાં ભરાઈ બેઠો.

અલ્પ સમયમાં જ ચામુંડરાજ પગ લેતો લેતો સાપર (એ ગામ અત્યારે રાપરના નામથી ઓળખાય છે)માં આવી ધમક્યો અને ભીંયાના ઝુપડા જેવા ઘર પાસે અટકી તેને ધમકાવીને પૂછવા લાગ્યો કે: “તારી પાસે અમારા બે ચોર છે, તેમને એક પળનો પણ વિલંબ કર્યા વિના અમારે હવાલે કરી દે. જે જરા પણ આનાકાની કરીશ, તો પોતાનો જીવ ખોઈ બેસીશ.”

"અન્નદાતા, ચોર શા અને વાત શી? રાજાના ચોરોને હું મારા ઘરમાં સંતાડી રાખું અને પોતાના પ્રાણને વિના કારણ ભયમાં નાખું, એટલો બધો હું હજી ગાંડો થઇ ગયો નથી. ગરીબ પરવર, હું આપના ચોરો વિશે કશું પણ જાણતો નથી.” ભીંયાએ નમ્રતાથી અને કોઈના મનમાં શંકાનો જરા પણ ભાસ ન કરાવે એવી કળાથી ઉત્તર આપ્યું.