પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
કચ્છનો કાર્તિકેય


ચામુંડરાજનો ભીંયાના વચનમાં કાંઈક વિશ્વાસ બેસવાથી તે પુનઃ આગળ વધતાં પગલાંને અનુસરીને પોતાના દુષ્ટ અનુચરોસહિત ચિત્રોડ પર્વત પર જઈ પહોંચ્યો અને ત્યાં તપાસ કરતાં એક સ્થળે સાંઢણી એકલી જ ચરતી જોવામાં આવી. એ સાંઢણીને દરબારી વાહન તરીકે તેણે તરત ઓળખી લીધી; કારણ કે, તેનાપરનો બધો સાજ દરબારી ઠાઠનો જ હતો. એથી મનમાં જ તેણે અનુમાન કર્યું કેઃ “અવશ્ય કુમારો પણ ક્યાંક આટલામાં જ હોવા જોઈએ. જો બરાબર શોધ કરીશું, તો જરૂર પત્તો મળવાનો જ !" એ પ્રમાણે વિચાર કરીને તેણે સમસ્ત પર્વતમાં શોધ ચલાવ્યો. તેના સૈનિકો વૄક્ષેવૃક્ષ અને પાષાણે પાષાણ જોઈ વળ્યા, પણ તેમને ક્યાંય કુમારોનો પત્તો મળી શક્યો નહિ. અંતે થાકીને બધા સાંકેતિક સ્થાનમાં એકત્ર થયા અને એ વિશે પુનઃ વિચાર ચલાવવા લાગ્યા. ચામુંડરાજે કહ્યું કે “સાપરમાં ભીંયાના ઘર સુધી સાંઢણીનાં પગલાં ગયેલાં છે એટલે જ્યારે કુમારો આ પર્વતમાં નથી ત્યારે અવશ્ય તેઓ ગામમાં જ ક્યાંક હોવા જોઈએ, જો પત્તો મળશે, તો ત્યાંથી જ મળશે.” એ પ્રમાણેનો નિશ્ચય કરીને પાછા તેઓ ભીંયાને ત્યાં આવ્યા અને ચામુંડરાજ તેને ભય બતાવતો ભયંકર ગર્જના કરીને કહેવા લાગ્યો કે: “જો આ સાંઢણીને પાસેના ચિત્રોડ પર્વત પરથી પકડી લાવ્યા છીએ, પણ ત્યાં કુમારોનો ક્યાંય પત્તો લાગતો નથી એટલે અમારા મનમાં દૃઢ સંશય આવ્યો છે કે કુમારો તારા તાબામાં જ હોવા જોઈએ. કુમારોને છુપાવી રાખીને સાંઢણીને પર્વતમાં એકલી ચરતી છોડી દેવાની યુક્તિ પણ તારી જ હોવી જોઈએ, કારણ કે, આ સાંઢણીનાં પગલાં સાપરથી ચિત્રોડ ડુંગરની તળેટી સૂધી જ જાય છે અને તે પગલાં આ સાંઢણીનાં જ છે કે નહિ, એની જો તારે ખાત્રી કરવી હોય, તો જઈને જો. પગલાં હજી કાયમ જ છે. કુમારો તારા કબજામાં હોવામાટેની આટલી જબરજસ્ત સાબીતી મળવા છતાં પણ હવે જો તું બનાવટી વાતો સંભળાવીશ, તો આ ક્ષણે જ હું, તારા આખા ગામને આગ લગાડીશ અને તારા પરિવારને બુરા હાલથી મારી નખાવીશ. તને પરમાત્મા બુદ્ધિ આપે તે પ્રમાણે વર્તવાને તું સ્વતંત્ર છે. 'હા'થી હર્ષ થશે અને 'ના'થી નખ્ખોદ જશે, એનો બરાબર વિચાર કરીને જ ઉત્તર વાળજે.”

“ગરીબનવાજ, આ ગામને આગ લગાડશો તો એમાં અમારું શું જવાનું હતું વારુ ? ગામ પણ આપનું છે અને અમે પણ આપના જ છીએ એટલે આપ ખાવિન્દ જે ધારો તે કરવાને મુખ્તિયાર છો.