પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
જામ રાવળનો જોહાકી જુલમ

હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, હું અપરાધી નથી. આ સાંઢણી મારા ગામમાં આવી પણ નથી અને મેં કુમારોને જોયા પણ નથી. જો આપનો મારા વચનમાં વિશ્વાસ ન બંધાતો હોય, તો ભલે મારા પરિવારનો નાશ કરી નાખો. મારો એમાટે જરા પણ વાંધો નથી.” ભીંયાએ બિલ્કુલ નાકુબૂલ જઈને જણાવ્યું.

ચાંડાલ ચામુંડરાજે એમ જાણ્યું કે: “એ એમ સીધી રીતે માનવાનો નથી. કુમારો જો કે છે તો અહીં જ, પણ એના પોતાના ઘરમાં તો નહિ જ હોય. જરૂર ગામમાં બીજા કોઈના ઘરમાં જ હશે, માટે ગામને આગ લગાડીને બાળી નાખવું એ જ વધારે સારું છે.” મનમાં એવો નિશ્ચય કરીને તેણે પોતાના અનુચરોને આજ્ઞા કરી કે: “જાઓ, અને આખા ગામમાં મારો એ હુકમ સંભળાવી દ્યો કે, સર્વ પોતપોતાના સામાન અને પરિવારને લઈને મારી આગળ આવી હાજર થાય. જો કોઈ મારી આજ્ઞાનો અનાદર કરે, તો તેને બાંધીને માર મારતા લઈ આવો. જરા પણ દયાનો અંશ બતાવશો નહિ; કારણ કે, દયા ડાકણને પણ ખાઈ જાય છે !”

હુકમના બંદા ગુલામ નોકરો તરત આખા ગામમાં ફરી વળ્યા અને લોકોને તેમણે ચામુંડરાજની ભયંકર આજ્ઞા સંભળાવી દીધી. સર્વને તે સિપાહીઓ પકડી પકડીને ચામુંડરાજ આગળ લાવી હાજર કરવા લાગ્યા. ચામુંડરાજે સિપાહીઓને બીજી આજ્ઞા આપતાં કહ્યું કેઃ “જાઓ, મારા બહાદુર દિલેરો, જાઓ અને જોતજોતાંમાં આખા ગામને સળગાવી દ્યો. આગ એવી ભયંકર લાગવી જોઈએ કે, અગ્નિની ભયંકર જ્વાળા આકાશ પર્યન્ત પહોંચી જાય અને થોડી વાર માટે એ અગ્નિના તાપથી સાક્ષાત્ સૂર્યનારાયણ પણ સંતપ્ત થઈ પરિતાપને પ્રાપ્ત થાય ! આ હઠવાદી ભીંયો પણ જાણે કે હઠનું પરિણામ કેવું આવે છે અને એક મનુષ્યનો અપરાધ સમસ્ત ગ્રામનો કેવી રીતે સંહાર કરાવે છે – એક પાપી સમુદ્રના મધ્યમાં આખી નૌકાને કેવી રીતે ડુબાવે છે !”

લગભગ અર્ધ પ્રહરમાં તો અગ્નિની ભયંકર જ્વાળાઓ સર્વત્ર દૃષ્ટિગોચર થવા લાગી અને ગામ બળીને ભસ્મીભૂત થઈ ગયું.

ગામનાં ઝૂપડાં ચરચર ધ્વનિ સહિત બળતાં હોવા છતાં પણ જ્યારે ભીંયાના મુખમંડળમાં ગ્લાનિ કિંવા મલિનતાની છાયાનું દર્શન ન થયું, ત્યારે ચામુંડરાજ નિરાશ થયો અને તેના મનનો દૃઢ નિશ્ચય થયો કે: “કુમારો ગામમાં તો નથી જ. ત્યારે હવે તેમને ક્યાં શોધવા ?” એ પ્રમાણેના વિચારમાં તે નિમગ્ન થઈને ઊભો હતો એટલામાં દૂરથી ધૂળના ગોટ ઊડતા તેના જોવામાં આવ્યા અને થોડી વારમાં ઘોડાનાં