પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
કચ્છનો કાર્તિકેય

પગલાંનો અવાજ પણ સંભળાયો. અલ્પ સમયમાં જ જામ રાવળ પોતાના રિસાલા સાથે ત્યાં આવી લાગ્યો અને ચામુંડરાજે તેને બનેલો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. અંતે સર્વાનુમતે ગામ બહારની ઘાસની ગંજીઓમાં શોધ ચલાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો. ગંજીઓ પાસે આવીને જામ રાવળે હુકમ ફર્માવ્યો કે: “જેવી રીતે આ ગામને બાળી નાખવામાં આવ્યું છે, તેવી જ રીતે આ ઘાસની ગંજીઓને પણ અગ્નિ નારાયણનું ભક્ષણ બનાવો અને કૂવા તથા વાવોને પત્થરવતી પૂરી નાખો !”

ભીંયાએ કુમારોને એ ગંજીઓમાં જ સંતાડેલા હતા, એ તો આપણે જાણી ચૂક્યા છીએ જ, એટલે હવે જો એ ગંજીએાને પણ આગ લગાડવામાં આવે, તો અવશ્ય કુમારોનો અંત થઈ જાય, એ નિશ્ચિત હતું. પરંતુ અચાનક એક ઘટના ઘટવાથી એ કાર્ય થોડી વારને માટે અટકી પડ્યું. સિપાહીઓ હુકમનો અમલ કરવા જતા હતા તેવામાં એક વૃદ્ધ પુરુષે આવી ગોઠણમંડીએ પડીને જામ રાવળને પ્રાર્થના કરીને કહ્યું કે:—

“મહારાજાધિરાજ, હજી તો હાલમાં જ આપ રાજ્યના અધિકારી થયા છો, માટે આરંભમાં જ આવી રીતે રૈયતની હાય લેવી એ આપના માટે સારું નથી; પછી તો જેવો આપનો વિચાર. આપના આ અધિકારીએ અમારા દેખતાં આ અમારાં ઘરબાર બાળી મૂક્યાં તે તો અમે છતી આંખે અંધાપો ધારણ કરીને સહન કરી લીધું; કારણ કે, અમારી એવી ભાવના હતી કે ચાર દિવસ વાડીઓમાં ઝાડના છાયડામાં રહીને વીતાડીશું. અર્થાત્ જો ઝૂપડાં બાળવાથી અમારી નિર્દોષતા વિશે રાજાને નિશ્ચય થતો હોય, તો તેમાં અટકાવ ન કરવો. પરંતુ જ્યારે આપ આ ઘાસની ગંજીઓને બાળી નાખવા તથા વાવ કુવાને પૂરાવી નાખવાને જ તૈયાર થયા છો, તો ભલે એમ કરો; પણ પ્રથમ અમારી પ્રાર્થનાને માન્ય રાખી અમને તથા અમારાં ઢોરોને રેંસી નાખો અને પછી જે અનર્થ કરવો હોય તે આનંદથી કરો. વળી મારી તો એ જ સલાહ છે કે, બધા મિયાણાઓને કચ્છમાંથી દેશ પાર કર્યા પછી જ આ અનર્થપાત કરો, તો વધારે સારું; કારણ કે, જો મિયાણાઓ અહીં હશે અને તેઓ જ્યારે પોતાના જાતભાઈઓપર થયેલા આ જુલ્મની વાત સાંભળશે. તો તરત તેઓ આપ વિરુદ્ધ બળવો જગાડશે અને એ બળવાને બેસાડતાં તો આપના સૈનિકોનો નાકમાં દમ આવી જશે. એટલામાટે જો મારો ઉપદેશ માનો, તો એમાં આપનો જ અધિક લાભ સમાયલો છે. જો વાડીઓ કાયમ રહેવા દ્યો, તો અમે બધા પાછા ઝૂપડાં બાંધીને રહીએ, ખેતી કરીએ અને પેટ