પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
જામ રાવળનો જોહાકી જુલમ

ભરીએ. ઘાસની ગંજીઓ બાળી નાખવાથી ઢોરોના પ્રાણ જશે, ઢોરોના અભાવે ખેતી અટકશે અને ખેતી ન થવાથી આપની આવકમાં ઘટાડો થશે ને તે ખોટ આપની આંખોમાં ખટકશે. જળાશયોના નાશથી અમો સર્વનો નાશ થવાનો એ તો નિર્માયલું જ છે, ત્યારે ખુલ્લી રીતે જ અમને શામાટે કાપી નથી નાખતા, એ હું સમજી શક્તો નથી. જે વસ્તુઓના નાશ માટે અત્યારે આપ ઉદ્યુક્ત થયા છો, તે વસ્તુઓ પાછી વસાવી આપવાનુ જો આપના અંગમાં સામર્થ્ય હોય. તો એમાટે અમારી જરાય ના નથી. પણ પ્રથમ અમને તેવું વચન મળવું જોઈએ.”

પ્રિય વાંચક, પ્રાર્થના કરનાર એ વૃદ્ધ નર બીજો કોઈ નહિ, પણ કુમારોનો પ્રાણરક્ષક ભીંયો પોતે જ હતો. ભીંયાનું એ પ્રમાણપૂર્ણ ભાષણ સાંભળીને જામ રાવળ ઘડીભર વિચારમાં પડી ગયો અને અન્ય વસ્તુઓના નાશમાટેની પોતાની આજ્ઞાને પાછી ખેંચી લઈને તેણે માત્ર ઘાસની ગંજીઓને બાળી નાખવામાટેની આજ્ઞાને જ અવિચળ રાખી.

એટલામાં જામ રાવળનો એક ભાયાત કે જે તેની સાથે જ આવ્યો હતો, તે વચ્ચે વધીને કહેવા લાગ્યો કેઃ "ખાવિન્દ કુમારોને આ ઘાસની ગંજીઓમાં છુપાવવામાં આવ્યા હોય, એમ મારું માનવું તો નથી જ. આ ગંજીઓનો વિસ્તાર ઘણો જ નાનો છે. છતાં જો આપના મનમાં શંકા જ હોય, તો એમાં બરછીઓ ખોસીને તે શંકાનું નિવારણ કરી નાખો. જો આ ઘાસનો નાશ કરવામાં આવશે, તો એટલું ઘાસ તત્કાળ પાછું મળી શકશે નહિ અને વિના કારણ બિચારાં ઢોર માર્યા જશે.”

“વારુ ત્યારે એમ કરો. જામ રાવળે અનુમતિ આપી.

ભીંયાનાં નેત્રોમાંથી અસ્ખલિત અશ્રુધારાનું વહન થવા લાગ્યું અને તે અત્યંત દયાજનક મુદ્રાથી હાથ જોડીને પુનઃ વિનતિ કરતો બોલ્યો કેઃ “મહારાજ, આ ઘાસની ગંજીઓને તો આપ હસ્તસ્પર્શ પણ ન કરો, એવી જ અમારી ઈચ્છા છે; કારણ કે, અમારાં ઢોરોના પ્રાણ અમને અમારા પોતાના પ્રાણ કરતાં પણ વધારે વ્હાલા હોય છે, એ તો આપ જાણો જ છો.”

પોતાના ભાયાતના કહેવાથી જામ રાવળના મનમાંથી જે શંશય જતો રહ્યો હતો, તે ભીંયાની આ પ્રાર્થનાથી તાજો થયો અને તેણે મનમાં નિશ્ચયપૂર્વક માની લીધું કે “કુમારો આ ગંજીમાં જ હોવા જોઈએ અને તેથી જ ગંજીઓને સ્પર્શ ન કરવામાટેનો એ આટલો