પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
કચ્છનો કાર્તિકેય

જોઇને ભીંયાની સ્ત્રીના મનમાં એવી શંકા આવી કે: "જો એ ગભરાઈને કુમારોને રાવળના હાથમાં સોંપી દેશે, તો બધી કરી કમાણી ધૂળ થશે અને જગતમાં અપયશ જ મળશે.” એટલે તે પતિને ધીમા સ્વરથી હિંમત આપતી કાનમાં કહેવા લાગી કેઃ “રખેને કાંઈ ઓકી નાખતા ! આપણો અવતાર તો કૂતરાં જેવો છે એટલે જો જીવતાં રહીશું તો ઘણાંય છોકરાં જણીશું; પરંતુ આપણાં આ કુરકુરિયાંના મોહમાં પડીને સિંહના બાળકોનો સંહાર ન કરાવશો. જો રાજકુમારો જીવતા રહે, તો આપણું જીવન સફળ છે. આપણાં સંતાનોથી જગતને કાંઈ પણ વધારે લાભ થવાનો નથી; પણ જો એ રાજપુત્રો જીવતા રહેશે, તો હજારો મનુષ્ય જીવોને પાળશે અને આપણાં દુ:ખડાં પણ ટાળશે. અર્થાત્ છાતીને મજબૂત રાખો અને શાંત થાઓ.”

ભીંયો જો કે બીનો તો નહોતો જ, તો પણ પોતાની સ્ત્રીનાં એ વચનો સાંભળીને તે વધારે ધીર ગંભીર થઈ ગયો. જામ રાવળે તેના બીજા ચાર પુત્રોને પણ એક પછી એક અનુક્રમે નિર્દયતાથી રેંસી નાખ્યા છતાં ભીંયાએ કે તેની સ્ત્રીએ દુઃખનો એક પણ ઉદ્‌ગાર ન કાઢ્યો તે ન જ કાઢ્યો.

પૃથ્વીને ભીંયાના નિર્દોષ બાળકોના પવિત્ર શોણિતથી રંગાયલી જોઇને જામ રાવળની તહેનાતમાંના એક શિવજી નામના લુહાણાનું હૃદય વિદીર્ણ થઈ ગયું અને આ અત્યાચાર સહન ન થઈ શકવાથી તે રાવળને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે:–

"મહારાજ, જેના સાત પુત્ર બકરાંની પેઠે રેંસાઈ ગયા, તો પણ કુમારો વિશેની જેણે ખબર ન આપી, તેની પાસેથી હવે વધારે ખબર મેળવવાની આશા રાખવી વ્યર્થ છે. મને તો એ અપરાધી દેખાતો નથી. એ ધણીધણિયાણી અને એમના એક દીકરાને તો હવે જીવતાં જ રાખો. એ જ મારી પ્રાર્થના છે. નહિ તો, જો એ મિયાણાઓ બદલાઈને બહારવટિયા થશે, તો આપને અને ચામુંડરાજને આ રાજ્યમાં રહેવું પણ અશક્ય થઈ પડશે. રાજ્ય કરવાની ને નાના પ્રકારના વૈભવવિલાસ ભોગવવાની વાત તો દૂર રહી !”

પરંતુ એ ઉપદેશને લક્ષમાં ન લેતાં રાવળે ભીંયાને કહ્યું કે: "જો હજી પણ તમો જીવવા ઈચ્છતા હો, તો કુમારોનો પત્તો આપો. હું તમને જાગીરદાર બનાવીશ.”

"હું કાંઈ જાણતો પણ નથી અને અમારે જીવવું પણ નથી.” ભીંયાએ નિર્ભયતાથી ઉત્તર આપ્યું.

રાવળે તેના આવા દૃઢ નિશ્ચયને જોઈ નિરાશા અને આશાપૂર્વક ગંજી તરફ નજર કરી.