પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
કચ્છનો કાર્તિકેય

ને જ પ્રાપ્ત થયું હોયની ! એવો તેના હૃદયમાં આનંદ થવા લાગ્યો. તે અત્યંત કૃતજ્ઞતાથી શિવજીનો આભાર માનતો કહેવા લાગ્યો કે:—

ખરેખર, શિવજીભાઈ, આજે આ ઉદારતા અને ધર્મપરાયણતા દર્શાવીને આપે લુહાણા જાતિના નામને અમર બનાવ્યું છે. ક્ષત્રિયકુલોત્પન્ન લુહાણા વીરને આવી શૂરવીરતા અને ઉદારતા જ ભૂષણાવહ છે. અત્યારે કુમારોની તો આ ઉપકારનો બદલો વાળવાની શક્તિ નથી, પરંતુ ઈશ્વર એનો યોગ્ય અને ઉત્તમ બદલો આપને અવશ્ય આપશે જ. અત્યારે કુમારોના બચવાથી મારા મનમાં એટલો બધો આનંદ થયો છે કે તે આનંદને એક પ્રકારના ઉન્માદનું સ્વરૂપ પ્રાપ્ત થતાં મારામાં વધારે બોલવાની પણ શક્તિ રહી નથી!”

"ભીંયા, તું કહે છે તે બધું ખરું છે, પરંતુ તારી ઉદારતા અને રાજનિષ્ઠા સમક્ષ મારી ઉદારતા કશા પણ હિસાબમાં નથી. સાત સાત પુત્રોને પોતાની આંખો આગળ મરી જતા જોવા છતાં તું તારી પ્રતિજ્ઞામાં અચળ રહ્યો છે, એ એક અલૌકિક બનાવ બનેલો જ કહી શકાય. વળી મારી ઉદારતાને હું ઉદારતા ગણતો જ નથી; કારણ કે, મનુષ્યને મનુષ્ય બચાવી શકતો જ નથી. કુમારોને બચાવનાર તેમનું પોતાનું આયુષ્ય છે. આપણે માત્ર આપણું કર્તવ્ય બજાવ્યું છે, કારણ કે, શ્રીમદ્‌ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણનો એ જ ઉપદેશ છે કે 'कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन' એટલે કે, 'તારો માત્ર કર્મમાં જ અધિકાર છે, તેનાં ફળોમાં તારો કદાપિ અધિકાર નથી.' અસ્તુ. હવે અહીં આ વાતોમાં આપણે વધારે વેળા ગુમાવવી ન જોઈએ. અમારા અહીંથી જવા પછી તારે માત્ર એ જ કરવાનું છે કે, કુમારોને આ કચ્છ રાજ્યની સીમાથી બહારના કોઈ નિર્ભય સ્થાને મોકલી દેવા. અહીં રહેવામાં હવે એમની સલામતી નથી. જો કાંઈ પણ સાધનની આવશ્યકતા હોય તો તે હું પૂરાં પાડીશ. તારે જરા પણ ચિન્તા કરવી નહિ.” એમ કહીને ધર્મનિષ્ઠ લુહાણાકુળભૂષણ શિવજી ત્યાંથી ચાલ્યો ગયો અને ભીંયો ઈશ્વરના અનંત ઉપકારો માનતો પોતાની સ્ત્રી પાસે ગયો. સ્ત્રીને તેણે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. એ વૃત્તાંતને સાંભળીને અને પોતાના પ્રયત્નને યશસ્વી નીવડેલો જાણીને તેની સ્ત્રીના આનંદનો પણ અવધિ થયો.

જામ રાવળે શિવજીના મુખમાંથી ગંજીમાં કુમારોના ન મળવાની વાત સાંભળીને પ્રથમ તો કાંઈક નિરાશા ધારણ કરી, પરંતુ પુનઃ મનમાં કાંઈક વિચાર આવવાથી તેણે કૂવા અને વાવોમાં ખાસ તપાસ કરાવી પણ ત્યાંય પત્તો ન લાગવાથી તે સંપૂર્ણ નિરાશ થઈ