પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
કચ્છનો કાર્તિકેય

હોવાથી અને ભવિષ્યમાં તેમના તરફથી ભયનો સંભવ હોવાથી તેમને મારી નાખવાના હેતુથી તેમને શોધવાના મેં અનેક પ્રયત્નો કર્યા અને મારા એ પ્રયત્નોના મધ્યમાં જ તમો મારા સંશયપિશાચના ભોગ થઈ પડ્યા, મારા હાથે તમારાપર અતિશય અત્યાચાર થયો છે અને ખરેખર તમે બધા મોટા સંકટમાં આવી પડ્યા છો. એમાં પણ ભીંયાની પાયમાલીનો તો પાર જ રહ્યો નથી. પરંતુ હવે ઉપાય નથી. જે બનવાનું હતું તે બની ગયું છે. મારું હૃદય અત્યારે દયાથી દ્રવી જાય છે; પણ વ્યર્થ ! હવે તમારા એ સંકટને ટાળવાની મારામાં શક્તિ નથી. સ્વાર્થસાધુ મનુષ્ય અને અંધ મનુષ્ય એકસમાન હોય છે, એ નિયમ પ્રમાણે મૂર્ખ તથા પ્રમાદી બનીને મેં આ ક્રૂર કર્મ કર્યાં છે અને તેથી રાજા હોવા છતાં એક ભિક્ષુક પ્રમાણે હું તમારી ક્ષમાની ભિક્ષા માગવાને હસ્ત પ્રસારી ઊભો છું ! આ ગામ આજથી તેના સીમાડા સુદ્ધાં હું તમને બક્ષીશ આપું છું અને તમારાં જે ઘરોને આગ લગાડીને બાળી નાખવામાં આવ્યાં છે તે પણ નવેસરથી બંધાવી આપવાનું હું વચન આપું છું. તમો ફરીને ગામ વસાવી સુખી થાઓ, એ જ મારી ઈચ્છા છે.”

જામ રાવળના એ કપટભાવથી ભરેલા ભાષણનું શ્રવણ કરીને મિયાણાઓના મનમાં કોઈ વધારે સંતોષ તો ન જ થયો. તેની વાક્પટુતાથી માત્ર તેઓ એટલું સમજી શક્યા કે: 'રાજા છે તો જુલમગાર, પણ વાતચીત કરવામાં છે બડો હુશિયાર ! છતાં હાલમાં એ ભાગ્યની પ્રબળતાથી રાજા થયો છે, તો એને માન આપવું જ જોઈએ; નહિ તો વળી એ બીજી રીતે રંજાડશે અને પીડા કરશે.' એવી ધારણાથી તેમણે જામ રાવળનો આભાર માન્યો અને નમી નમીને તેને સો સો સલામો ભરી. સર્વની સલામી થઈ રહ્યા પછી ભીંયો ઉઠી સલામ કરીને કહેવા લાગ્યો કેઃ—

"રાજ્યના સ્વામિન્, આપને જે રાજ્યપ્રાપ્તિ થઈ તેના ઉત્સવમાં મને એવી બક્ષીશ મળી છે કે જેને હું મરણપર્યન્ત ભૂલી શકવાનો નથી. કૃપા કરીને આ પટેલની પાઘડી લઈ લ્યો અને બીજા કોઇના માથાપર રાખો કે જેથી આ દીન દાસને ભવિષ્યમાં આવી બક્ષીશ મળવાનો સંભવ જ ન રહે"

ભીંયાનાં એ વચનો રાવળના હૃદયમાં જો કે તીવ્ર બાણ સમાન વાગ્યાં, તો પણ રાજા તરીકેની પોતાની પ્રતિષ્ઠાને જાળવી રાખવામાટે તેણે વધારે નમ્રતા ન દર્શાવતાં તેની તે પાઘડી લઈને બીજા