પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭ર
કચ્છનો કાર્તિકેય


થોડી વારમાં જ વૃક્ષરાજીમાંથી તે અજ્ઞાત પુરુષ પાછો આવતો દેખાયો. પુનઃ ખેંગારજી પાસે આવીને તે જરાક અટક્યો અને જરાક હસ્યો પણ ખરો. છચ્છરના મનમાં તેના આ વર્ત્તનથી વિશેષ સંશય આવ્યો અને તે કાંઈક બોલવા જતો હતો, પણ તેની જિહ્વા આ વેળાએ પણ અટકી ગઈ. અંતે મનને બહુ જ દૃઢ કરીને તેણે તે અજ્ઞાત પુરુષને ઉદ્દેશીને કહ્યું કેઃ "મહાશય, તમે ગમે તે હો, પણ મારા પ્રશ્નનો સંતોષકારક નિર્ણય કર્યા વિના અહીંથી એક પગલું પણ આગળ વધશો નહિ, જો મારા વચનની અવહેલના કરશો, તો પરિણામ ભયંકર આવશે."

"વત્સ, આટલા બધા ક્રોધનું કાંઈ કારણ ? મેં તારો કાંઇ પણ અપરાધ કર્યો છે કે શું ?" તે અજ્ઞાત પુરુષે પ્રશ્ન કર્યો.

"તમે આ બાળક ને જોઇને અહીંથી જતી વેળાએ ઊભા રહ્યા હતા અને હમણાં પણ એની પાસે અટકીને હસ્યા, એનું કારણ શું છે ? શું, તમે આ બાળકોને ઓળખો છો ?" છચ્છરે પોતાના ઉદ્દેશને સિદ્ધ કરનારો પ્રશ્ન રજૂ કર્યો.

"આ સુકુમાર અને ભાગ્યશાળી બાળકની પગરેષાનું મેં અવલોકન કર્યું, એટલા કારણથી જ તારા મનમાં આટલો બધો કોપાનળ વ્યાપી ગયો છે કે ? લે ત્યારે સાંભળ એનું કારણ—" એમ કહીને તે પ્રભાવશાળી પ્રજ્ઞ અને મહાશાંતિશીલ અજ્ઞાત પુરુષે ગંભીરતાથી કહ્યું કે: "અહીંથી નીકળતાં અચાનક મારી દૃષ્ટિ આ બાળકના ચરણપર પડી અને તેમાંની એક વિલક્ષતાને જોઈ આશ્ચર્યમગ્ન થઈને હું થોડી વાર સૂધી દિગ્મૂઢ બનીને ઉભો રહી ગયો. હું સામુદ્રિક શાસ્ત્ર તથા જયોતિ:શાસ્ત્ર આદિ ભવિષ્યને વ્યક્ત કરનારી વિદ્યાનું કાંઈક જ્ઞાન ધરાવું છું અને તેથી એના ચરણતલમાં પદ્મ તથા ઊર્ધ્વરેષા આદિ ઉત્કૃષ્ટ સામુદ્રિક ચિન્હોને જોતાં મારા મનમાં આશ્ચર્ય થાય એ સર્વથા સ્વાભાવિક જ છે. જેનાં ચરણતલમાં એવાં ચિન્હો હોય, તે સામુદ્રિક શાસ્ત્રના સિદ્ધાન્ત પ્રમાણે અવશ્ય કોઈ વિશાળ રાજ્યનો સ્વામી હોવો જોઈએ. પરંતુ જ્યારે આ બાળકને મેં આવી સર્વથા દીનદશામાં જોયો, ત્યારે મારા મનમાં એમ થઈ આવ્યું કે આવી મહાબળવતી રેષાઓ છતાં પણ આ નર આવા કષ્ટમાં આવી પડ્યો છે ! અને એથી જ વિધાતાના વિલક્ષણ વ્યવહાર વિશે મને હસવું આવી ગયું ! અત્યાર સુધીમાં કોઈ વાર પણ મેં અસત્ય વાદ કર્યો હોય એવું મને સ્મરણ નથી અને ભવિષ્યમાં પણ જીવ છે ત્યાં સુધી અસત્ય વાદ ન કરવાનો મારો દૃઢ નિશ્ચય છે. હવે તારા મનમાં મારા વિશે કાંઈ સંશય રહ્યો છે ખરો કે?"

એ અજ્ઞાત પુરુષના પ્રભાવ અને આવા સરળ ભાષણથી છચ્છરના