પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
શત્રુ કે સુહૃદ્

મનમાંનો સંશય તો દૂર થઈ ગયો, તો પણ હજી વધારે ખાત્રી કરી લેવાના ઉદ્દેશથી તેણે આડકતરી રીતે પૂછયું કે: "મહાશય, કચ્છમાં રાજ્યક્રાંતિ થવાના સમાચાર તમારા સાંભળવામાં આવ્યા છે ખરા કે ? અમારા પ્રવાસમાં અમે એવી વાર્ત્તા સાંભળી છે કે જામ રાવળે જામ હમ્મીરજીનો વિશ્વાસઘાતથી વધ કર્યો છે અને જે કુમારો તેના હાથમાંથી છટકી ગયેલા છે, તેમને પણ પકડી પાડીને તે મારી નાખવાની ઈચ્છા ધરાવે છે; એ બધી વાર્ત્તા સત્ય છે કે ?"

"કચ્છમાં રાજ્યક્રાંતિ થવાની વાર્તા મારા સાંભળવામાં આવી છે ખરી, પરંતુ એથી વિશેષ હું કાંઈ પણ જાણતો નથી. મારા એ સાંસારિક અજ્ઞાનનું કારણ એ છે કે આવી ક્લેશકારિણી વ્યાવહારિક અને પ્રવૃત્તિમય ઘટનાઓમાં લક્ષ રાખવા કરતાં આ જગદુત્પાદિની આદિશકિત દેવી જગદંબાના પૂજન આરાધનમાં જ હું અધિક ધ્યાનમગ્ન રહું છું; કારણ કે, વિશ્વના એ પ્રપંચો ભયંકર હોવા છતાં એવા તો મનમોહક છે કે જે કોઈ તેમનો ઉપાસક થાય છે તે કદાપિ માયાના બંધનમાંથી છટકી શકતો નથી. માયાના બંધનથી મુક્ત અને સાંસારિક વિષયોથી અનાસક્ત રહેવું, એના જેવો આ જીવનકાળમાં બીજો એક પણ સત્ય આનંદમય વ્યવસાય નથી. જગતનું ચક્ર તો નિરંતર આમ ને આમ જ ચાલ્યા કરે છે અને ચાલતું રહેશે. એમાં વિશેષ આશ્ચર્ય પામવા જેવું કાંઈ પણ નથી; કારણ કે:—

'સુખ પછી આવે દુઃખ ને, દુઃખ પછી સુખ થાય;
સુખ દુઃખો પરિવર્ત્તતાં, ચક્ર સમાન સદાય.
તેથી સુખનો હર્ષ શો, દુઃખ વિશે શો શોક;
દ્વૈતભાવમય વિશ્વમાં, એમ જ જીવે લોક !'

આવી ભાવનાથી મેં ઉદાસીનતાનો જ સ્વીકાર કરેલો છે." અજ્ઞાત પુરુષે મહા ગંભીર વાણીથી સંસારની નશ્વરતાનો ભાસ કરાવ્યો.

છચ્છરના મનમાં એ પુરુષ વિશે મહા સદ્‌ભાવના અને શ્રદ્ધાનો ઉદય થયો અને પ્રથમ કરેલી કુશંકામાટે મનમાં તે પોતે જ પોતાને ધિક્કારવા લાગ્યો. તે હસ્ત જોડીને પ્રાર્થના કરતો તે અજ્ઞાત પુરુષને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે: "પૂજ્ય મહાશય, અજ્ઞાનવશ મેં આપને સંબોધીને જે અપમાનસૂચક વાક્યો ઉચ્ચાર્યા છે, તે મારા અપરાધની કૃપા કરીને મને ક્ષમા આપશો. હું અને આ બે બાળકો એવી એવી આપત્તિઓમાંથી પસાર થઈને અહીં આવી લાગ્યા છીએ અને લોકોના વિશ્વાસઘાતક સ્વભાવોનો અમને એવો તો પરિચય થયો છે કે અમારો હવે તત્કાળ કોઇનામાં પણ વિશ્વાસ બંધાતો નથી. આપ