પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
કચ્છનો કાર્તિકેય

આવા એક નિસ્પૃહ અને ઉદાસીન મહાત્મા છો, એની મને લેશ માત્ર પણ કલ્પના નહોતી અને તેથી મારા હાથે મર્યાદાનો ભંગ થયો હતો."

"વત્સ, ચિન્તા નહિ. જો તમે અત્યારે સંકટમાં હો, તો ચાલો આ ગામમાંની આ દાસની પર્ણકુટીમાં; ત્યાં તમને સર્વ પ્રકારનો સંતોષ મળશે, દેવીની કૃપાથી તમારી ચિન્તા પણ ટળશે અને શુભ ભાવિ ફળશે !" તે પુરુષે ક્ષમાશીલતા બતાવવા ઉપરાંત તેને સત્કારને સ્વીકારવામાટેનું આમંત્રણ કરીને કહ્યું.

"પ્રભો, આપની આજ્ઞા અમને શિરસાવંદ્ય છે. અમે તમારે ત્યાં ચાલવાને અને તમારા આદરાતિથ્યને સ્વીકારવાને તૈયાર છીએ." છચ્છરે કહ્યું.

છચ્છરે કુમારોને નિદ્રામાંથી જાગ્રત કર્યા. કુમારોએ તે અજ્ઞાત પુરુષને જોતાં જ મનમાં સદ્‌ભાવના ઉત્પન્ન થવાથી વિનયપૂર્વક મસ્તક નમાવીને "પૂજ્ય મહારાજ, અમે આપને માનયુકત નમન કરીએ છીએ !" એ પ્રમાણેના વાક્યનો ઉચ્ચાર કર્યો.

"વત્સો, ચિરાયુ થાઓ અને ધર્મલાભને પ્રાપ્ત કરો." તે પુરુષે અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યો.

એ જનસમુદાય વિશેષ વિલંબ ન કરતાં ગામ ભણી જવાને ચાલતો થયો.


પંચમ પરિચ્છેદ
યતિનો પ્રસાદ
અને
દેવીનો આશીર્વાદ !


ગત પરિચ્છેદમાં જે અજ્ઞાત પુરુષ સાથે આપણો પરિચય થયો છે, તે એક સર્વત્ર મહતી ખ્યાતિને પામેલો અને અદ્વિતીય વિદ્વાન્ જૈન યતિ માણેકમેરજી હતો. એ જૈન યતિઓ પૂર્વે સામુદ્રિક, જ્યોતિષ અને તંત્ર વિદ્યા આદિ વિદ્યાઓમાં બહુજ નિપુણ થતા હતા અને અનેક ચમત્કાર કરી શકતા હતા. અમાવાસ્યાની નિશ્રામાં તેઓ ચંદ્રનો ઉદય કરી શકતા ને પૂર્ણિમાની રાત્રિમાં સર્વત્ર અંધકારનો પ્રસાર કરી શકતા હતા ઇત્યાદિ તેમની ચમત્કારશક્તિની આખ્યાયિકાઓ જનસમાજમાં અદ્યાપિ પ્રચલિત છે. જૈન યતિઓ સાધારણત: ગોરજીના નામથી ઓળખાય છે અને ગોરજીઓ મેલી (તંત્ર)