પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યુવરાજજન્મતિથિમહોત્સવ

પ્રજાવત્સલ, ન્યાયી, દાનપરાયણ અને સુશીલ રાજા કોઈક ભાગ્યશાળી પ્રજાને પ્રાપ્ત થાય છે. કચ્છની પ્રજા એવા સદ્‌ગુણમંડિત ભૂપાળને પ્રાપ્ત કરી મહાભાગ્યશાલિની થઈ છે અને સર્વેની ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે, જામ હમ્મીરજી તથા તેમના વંશજોનું રાજ્ય કચ્છમાં યાવચ્ચંદ્રદિવાકરૌ અમર રહો અને તેમના વૈભવની વૃદ્ધિ થયા કરો. હું તો આપનો નિરંતરનો હિતૈષી છું એટલે મારે તો આવા પ્રસંગે અવશ્ય ગમે તેમ કરીને આવવું જ જોઈએ. હું મારું કર્તવ્ય બજાવું છું તેમાં આપે મારો લેશ માત્ર પણ ઉપકાર માનવાનો નથી. આવા પ્રસંગે આપનાં દર્શન અને વાર્ત્તાલાપનો લાભ મળે છે, એ જ મારા પરિશ્રમનો સંપૂર્ણ બદલો છે,” જામ રાવળે અત્યંત નમ્ર ભાવથી એ વિનયયુક્ત વાક્યો ઉચ્ચાર્યા.

"'હીરા મુખસે ના કહે લાખ હમારો મોલ,' તે આનું જ નામ,” હમીરજીએ માર્મિકતાથી કહ્યું.

“કુમાર ખેંગારજી, હું આ વસ્ત્રાલંકારો તમારામાટે ખાસ તૈયાર કરાવીને લાવ્યો છું તે ધારણ કરો અને મારો આશીર્વાદ છે કે, તમે પિતા પ્રમાણે જ ક્ચ્છ દેશનું રાજ્યતંત્ર ચલાવી પ્રજાના પ્રીતિભાજન થાઓ,” જામ રાવળે કુમારને વસ્ત્રાલંકારોની ભેટ આપતાં કહ્યું.

"હું આપના આશીર્વાદને મસ્તકે ચઢાવું છું,” એમ કહીને ખેંગારજીએ આભારદર્શક મુદ્રાથી રાવળની ભેટ સોગાદનો સ્વીકાર કર્યો.

એ પછી અન્ય જનો તરફથી આવેલી ભેટ સોગાદોનો અંગીકાર કરવામાં આવ્યો અને એ વિધિની સમાપ્તિ થતાં કવિજનોને તેમણે રચેલી કવિતાઓ સંભળાવવાની આજ્ઞા કરવામાં આવી. પ્રથમ રૂપસિંહ બારોટે ઉઠીને નિમ્ન કવિતા લલકારી;—

છપ્પય–"હમીર, તું બલવીર, ધીર ગંભીર હિયારો;
દુખિયા ટાળણ ભીર, મીર મરદાંરો; પ્યારો;
તોઘર હુઓ કુમાર, ભાર ઉત્તારણ ભૂકો;
મહાપ્રતાપી ભૂપ, રૂપ સુન્દર તનહૂકો;
બલ યોધ, ક્રોધ ભંજન સુઘડ, ઇહિં સમ ઔર ન હોઈસી;
જામ હમીરા કુળદિવો, જગરો અનુભવ જોઇસી !


દોહરો–“સો વર્ષારો હોઈસી, મહાપરાક્રમવાન;
ઇસે ન કોઈ જીતસી, કુલદીપાવન જાન !


સોરઠો–“રાવાંરો યે રાવ, મહારાજપદ લેઇસી;
હમીર, થારો દાવ, લેસી ઇમ રૂપો ભણે!”