પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
દેવીનો આશીર્વાદ

પ્રણામ કર્યાં. તત્કાળ અગ્નિકુંડમાંના પ્રજ્વલિત અગ્નિના મધ્યમાંથી વિદ્યુતના ચમકારા જેવો એક મોટો ચમકારો થયો અને દેવીનો વરદહસ્ત બહાર આવ્યો. એ હાથમાં સાંગ નામક એક શસ્ત્ર હતું. યતિએ તે સાંગને હાથમાં લેતાંની સાથે જ આકાશવાણી સમાન ધ્વનિ સંભળાયો કે:—

""થીનેં રાજા કચ્છજો, જરૂર તું ખેંગાર;
રાવર તાં વેંધો ભજી, ખેંધો તોજી માર ! "*[૧]

“ધન્ય, ધન્ય ! પરદુઃખહારિણી દેવી જગદંબે, ધન્ય ! ! ! આજે મને તેં પૂર્ણ કૃતાર્થ કર્યો !” એ પ્રમાણે દેવીનો આભાર માની ખેંગારજીને તે સાંગ આપતાં યતિ કહેવા લાગ્યો કેઃ “કચ્છ દેશના ભાવિ ભૂપાળ, લ્યો આ દૈવી શસ્ત્ર અને પોતાનાં અહોભાગ્ય માનો. આ શસ્ત્રના યોગે તમારો સર્વત્ર વિજય થશે અને શત્રુઓ સર્વદા સંતપ્ત થઈ પરાજય પામશે !”

"તથાસ્તુ!” ખેંગારજીએ કહ્યું.

આ દૈવી ચમત્કારના અવલોકનથી ખેંગારજી, સાયબજી તથા છચ્છર સાનંદ આશ્ચર્યમાં નિમગ્ન થઈ ગયા અને દેવીની એક નિષ્ઠાથી સ્તુતિ કરવા લાગ્યા. બીજે દિવસે છચ્છરે વિદાય થવાની આજ્ઞા માગી. માણેકમેરજીએ થોડા દિવસ ત્યાં જ રહેવા માટે તેમને ઘણો આગ્રહ કર્યો, પરંતુ અંતે તેમની તેવી ઈચ્છા ન જોઈને આનંદથી પ્રયાણમાટેની આશીર્વાદ સહિત આજ્ઞા આપી અને ખેંગારજીને વિશેષતાથી જણાવ્યું કે:—

“યુવરાજ, હવે તમારે પોતાના ભાવિ કલ્યાણમાટે કશી પણ શંકા રાખવી નહિ. મારા વચનની સત્યતાને સિદ્ધ કરનાર ચિન્હ તરીકે અહીંથી નીકળીને જે પ્રથમ ગામમાં તમે જશો, ત્યાં તમને કૃષ્ણવર્ણ વાહન અને શ્વેતવર્ણ ભોજન મળશે. એ શુભ શકુનથી તમારે પોતાના ભાવિ ઉદયનો નિશ્ચય કરી લેવાનો છે. ચિરાયુ થાઓ; સિધારો.”


  1. *આનો ભાવાર્થ એ થાય છે કે; “હે ખેંગાર, તું અવશ્ય કચ્છનો રાજા થઇશ, રાવળ તારો માર ખાશે અને નાસી જશે ! ”
    આ અદ્‌ભુત ધટના ખરેખરી બનેલી છે કિંવા પૌરાણિક પદ્ધતિથી કલ્પનાના યોગે ઊભી કરવામાં આવી છે, એ વિશે શંકા જ છે, છતાં આ ઘટનાની કથા કચ્છના લોકોમાં ઘણી જ પ્રચલિત અને પ્રસિદ્ધ હોવાથી અત્ર જેવા ને તેવા સ્વરૂપમાં જ આપવામાં આવી છે. અને સત્ય તરીકે મનાવવાનો અમારો લેશ માત્ર પણ આગ્રહ નથી. જેને જેમ યોગ્ય લાગે તે પ્રમાણે તેણે એ ઘટનાને સત્ય કિંવા કાલ્પનિક માનવાની છે.