પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી


“ભાઈ મારા મનમાં અત્યારે આ કુમારોને જોઈને એક કલ્પના ઉદ્‌ભવી છે. મારી ધારણા પ્રમાણે તો એ કલ્પના ખરી હોવી જ જોઈએ, પરંતુ કદાચિત્ એ કલ્પના અસત્ય સિદ્ધ થાય તો કૃપા કરીને તમારે મારું હાસ્ય ન કરવું.” તે બાઈએ તેવા જ વિનયથી ઉત્તર આપ્યું.

“એ તમારી શી કલ્પના છે વારૂ ?” છચ્છરે આતુરતાથી પૂછ્યું.

“હું કચ્છના નગર લાખિયાર વિયરાના એક સૂતારની પુત્રી છું અને આ ગામમાં મારું સાસરું છે. મને એવું સ્મરણ થાય છે કે કચ્છના મહારાજા જામ હમ્મીરજીના બે કુમારો ખેંગારજી તથા સાયબજી આબેહૂબ આ બાળકો જેવા જ છે. તે રાજકુમારોની મુખાકૃતિ અને અંગબંધન આદિ આમની સાથે એટલાં બધાં મળતાં આવે છે કે જો આમને મેં આ સાધારણ વેશમાં જોવાને બદલે રાજવંશીય વસ્ત્રાભૂષણયુક્ત અવસ્થામાં જોયા હોત, તો એમને ખેંગારજી તથા સાયબજીના નામથી બોલાવવામાં જરા પણ આંચકો ખાત નહિ. આ મારી કલ્પના ખરી છે કે કેમ ?” તે રમણીએ કહ્યું.

“બહેન, ઘણાં માણસોના આકાર પ્રકાર આવી રીતે એક બીજા સાથે મળતા આવે છે. એટલે તમારે ખાસ આવી કલ્પનાઓથી હૃદયને અસ્વસ્થ કરવાનું શું કારણ છે વારુ ?” છચ્છરે કહ્યું.

“ભાઈ એ તો તમે જાણતા જ હશો કે, નવોઢા નારી પોતાનાં પીયરિયાંમાં વધારે માયા મમતા રાખે છે; જો કે સાસરિયાંમાં મારો સ્નેહ લેશ માત્ર પણ ઓછો નથી, તો પણ હજી પીયરિયાં તરફ મારું મન વધારે આકર્ષાયા કરે છે અને મને મારી જન્મભૂમિના બાળકો ધારીને જ મનમાં ઊમળકો આવવાથી હું ક્યારની બીજી સ્ત્રીઓથી છૂટી પડીને અહીં થોભી રહી છું.” પ્રમદા બોલી.

"વ્હાલાં બહેન, તમારું અનુમાન યથાર્થ છે. કેટલાંક રાજકારણ અને ભયંકર વિશ્વાસઘાતના પરિણામે આવી હીન અને દીન દશામાં આવી પડેલા આ બાળકો બીજા કોઈ નહિ, પણ કચ્છના રાજકુમારો ખેંગારજી તથા સાયબજી જ છે.” છચ્છરે કોઈ પણ પ્રકારના ભયનો સંભવ ન ધારીને ખરેખરો ભેદ કહી સંભળાવ્યો.

આ વાર્ત્તા સાંભળતાં જ તે રમણીનું હૃદય હર્ષ તથા શોકના મિશ્રિત ભાવથી ઉભરાઈ જવા લાગ્યું; તે કુમારો પાસે આવી બેડું નીચે ઊતારી તેમનાં ઓવારણાં લઈને દીન તથા પ્રેમયુક્ત વાણીથી કહેવા લાગી કે: “મારી જન્મભૂમિના રાજકુમારો, આપને આવી અધમ અવસ્થામાં આવી પડેલા જોઈને મારી છાતી ફાટી જાય છે; પણ આ અબળાથી કેવળ અંતઃકરણ પૂર્વક આશીર્વાદ વિના બીજું શું સાહાય્ય આપી શકાય તેમ છે ?”