પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી

મિત્રોને સાથે લઈને ત્યાંથી ચાલતો થયો અને રાજકુળના અલભ્ય અતિથિઓને આદરપૂર્વક પોતાના ગૃહમાં લાવી એક સ્વચ્છ ઓરડામાં બેસાડી તેમની આસનાવાસના કરવા લાગ્યો.

સાધારણતઃ સંસારવ્યવહારનો એક એવો નિયમ છે કે જો કોઈ ધનાઢ્ય કિંવા ઉચ્ચપદધારી ગૃહસ્થ પોતાથી ઊતરતી પંક્તિના મનુષ્યને ત્યાં અતિથિ થાય, તો તેનું ત્યાં જે આદરાતિથ્ય કરવામાં આવે, તે સેવાના નામથી ઓળખાય છે અને એવી સેવાના બદલામાં તે સમર્થ અતિથિએ તેને કાંઈ પણ ધન કિંવા ઉપહાર આપવો પડે છે. જો એમાં કશી પણ ન્યૂનતા થાય, તો તેથી તે અતિથિ તેટલી અપકીર્તિને પાત્ર થાય છે. અહીં અતિથિ રાજકુમાર હતા અને આતિથ્ય કરનાર એક સાધારણ સૂતાર હતો એટલે રાજકુમારોએ તેને કાંઈ પણ આપવું તો જોઈએ જ; પરંતુ સમય પ્રતિકૂલ હોવાથી રાજકુમારોમાં એ વિવેકને દર્શાવવાની અત્યારે શક્તિ નહોતી એટલે તેમના મનમાં એવો વિચાર આવ્યો કે, જો સૂતારના ઉપકારનો ભાર વધારે ન થઈ જાય તો સારું. એ વિચારથી ખેંગારજીએ વૃદ્ધ સૂતાર–તે બાઈના સસરા–ને ઉદ્દેશીને કહ્યું કેઃ “વૃદ્ધ સદ્‌ગૃહસ્થ, તમે અને અમારાં બાઈએ અત્યાર સૂધીમાં જેટલો વિવેક બતાવ્યો છે અને અમારો જેટલો સત્કાર કર્યો છે, તેટલા સત્કારથી અમને પૂર્ણ સંતોષ થયો છે અને તેથી હવે વિશેષ વિવેક કરવાની કશી પણ આવશ્યકતા નથી. મને ખેદ માત્ર એટલો જ થાય છે કે અમારાં બહેનને કાપડા તરીકે આપી શકાય એટલું નાણું પણ દુર્ભાગ્યવશાત્ અત્યારે અમારી પાસે નથી. છતાં જો ઈશ્વર અમને શુભ દિન દેખાડશે, તો તમારા આ ઉપકારને અમે ભૂલવાના નથી. અર્થાત્ અત્યારે હવે અમને જવા માટેની આજ્ઞા આપો, તો મોટો ઉપકાર; કારણ કે, અમારે ઉતાવળથી અમદાવાદ પહોંચવું છે અને અધૂરામાં પૂરું વાહન આદિનો અભાવ છે એટલે માર્ગમાં જો આમને આમ વિલંબ થયા કરે, તો ત્યાં પહોંચતાં છ માસ કે વર્ષ વીતી જાય. કેવળ તમારું માન જાળવવા માટે જ અમે તમારે ત્યાં આવ્યા હતા એટલે તમારે ત્યાં આવીને બેઠા, જળપાન કર્યું અને વિશ્રામ લીધો. હવે અમારે પુનઃ પ્રવાસનો આરંભ કરવો જ જોઈએ.”

“નહિ, મહારાજ, એમ અમારાથી આપને જવાની અનુમતિ આપી શકાય નહિ; ઓછામાં ઓછા ત્રણ ચાર દિવસ તો અહીં આપનો મુકામ થવો જ જોઈએ.” સૂતારે વિવેક કર્યો.