પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
કચ્છનો કાર્તિકેય

કુમારોના એ પ્રશ્નોથી છચ્છરની છાતી ભરાઈ આવી અને મનમાં તે પણ ભયભીત થઈ ગયો. છતાં પોતાની ચિંતા અને શોકાતુરતાના આવેગને રોકી મુખમંડળમાં શાંતિ તથા ગંભીરતાની છાયાને લાવી તે અત્યંત નમ્રતાથી કહેવા લાગ્યો કે: “મારા શિરચ્છત્રો, શાંત થાઓ અને ધૈર્ય ધરો. જગચ્ચાલક પરમેશ્વર અત્યંત કૃપાળુ છે. તે પ્રભાતમાં સર્વ પ્રાણીઓને ભૂખ્યાં જગાડે છે, પણ ભૂખ્યાં ને ભૂખ્યાં જ રાતે સૂવાડતો નથી. આપણે અત્યારે એક નગરમાં આવી પહોંચ્યા છીએ એટલે વધારે ચિંતા કરવાનું કારણ નથી. હું નગરમાં જાઉં છું અને કાંઈ પણ વ્યવસ્થા કરી આવું છું. ત્યાં સુધી તમે અહી વિશ્રાંતિ લ્યો અને જેણે તમારો અનેક સંકટોમાંથી ઉદ્ધાર કર્યો છે, તે પરમાત્મા હવે પછી પણ અવશ્ય તમારો સહાયક થશે જ એટલે અંતઃકરણમાં દૃઢ વિશ્વાસ રાખો.”

છચ્છરનાં એ આશ્વાસનદાયક વચનોથી કુમારોના મનમાં શાંતિનો કિંચિદ્ આવિર્ભાવ થયો અને તેઓ તેના વચનને માન્ય રાખી ત્યાં જ વિશ્રાંતિ લેતા બેસી રહ્યા. છચ્છર પોષણમાટેનાં સાધનોની વ્યવસ્થા કરવામાટે નગર ભણી ચાલતો થયો.

ઉષ્ણ કાળના દિવસો હતા. મધ્યાહ્ન્‌નો સમય વીતી ગયો હતો અને જો કે તૃતીય પ્રહરનો આરંભ થઈ ચૂક્યો હતો, છતાં ઉષ્ણતાનો પ્રતાપ વિશેષ હોવાથી વીથિકા (બજાર)માં લોકોની વધારે ભીડ જોવામાં આવતી નહોતી. દિવસ હોવા છતાં સર્વત્ર રાત્રિસમાન શાંતિનો જ ભાસ થતો હતો. વીથિકાની એવી અવસ્થા જોઈને છચ્છર મનમાં જો કે કાંઈક નિરાશ થઈ ગયો; તો પણ તે આગળ અને આગળ વધતો ગયો. ઝાંઝવાના જળને જોઈને તૃષાતુરની જેવી અવસ્થા થાય છે, તેવી જ અત્યારે છચ્છરના મનની અવસ્થા હતી. અંતે એક શાહૂકારની પેઢી તેના જોવામાં આવી અને તે પેઢીને જોઇ મનમાં કાંઈક આશા ઉત્પન્ન થવાથી તે તે પેઢીપર ચઢી ગયો અને રામ રામ જયગોપાળ કરીને ત્યાં બેસી ગયો.

એક તરફ ત્રણ ચાર મેહતાઓ ગોઠણપર ચોપડા ચઢાવીને નામું લખતા બેઠા હતા, એક બે જણ નાણાંની થોકડીઓને ગણીગણીને કોથળીઓમાં ભરતા હતા અને એક ભવ્ય મુદ્રાવાળા ગૃહસ્થ સર્વને કાંઇને કાંઈ આજ્ઞા કરતો જોવામાં આવતો હતો. ત્યાંની એ સર્વ ચર્યાને જોઈને એ કોઈ મોટો વ્યાપારી અથવા શરાફ હોવો જોઈએ, એવો છચ્છરનો નિશ્ચય થયો અને તેથી તેણે એ જ શાહુકાર પાસેથી જોઈતાં સાધનોને મેળવવાનો વિચાર કર્યો.