પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
એક વિશેષ આઘાત કિવા છચ્છરનો વિયોગ

છચ્છર જો કે એક અજ્ઞાત પુરુષ હતો, છતાં તેને પોતાની પેઢીમાં આવેલો જોઈને અતિથિસત્કારના શિષ્ટસંપ્રદાય પ્રમાણે તેને આવકાર આપતાં શાહૂકારે કહ્યું કેઃ “ભાઈ, આવો. ક્યાંથી પધારો છો અને અહીં આવવાનું શું પ્રયોજન છે ? આપનો જે હેતુ હોય તે દર્શાવો.” એમ કહીને તેણે નોકરને પાન, સોપારી અને એલચી વગેરે લાવવાનો હુકમ ફર્માવ્યો.

એના પ્રત્યુત્તરમાં છચ્છરે જણાવ્યું કેઃ "હું એક મુસાફર છું અને ખાસ એક કામમાટે આપની સેવામાં હાજર થયો છું. હું એક ગરાશીઆનો નોકર છું. તે ગરાશીઆ એટલે કે મારા સ્વામીને એક શત્રુએ દગાથી મારી નાખવાથી અને તેની સ્ત્રીઓ સતી થઈ જવાથી તેના બે કુમારોનો તે શત્રુના પંજામાંથી છૂટકો કરી તેમના જીવ ઉગારવામાટે તેમને લઈને હું ગુજરાત ભણી જવા નીકળ્યો છું; કારણ કે, ત્યાં મારા સ્વામીનો એક બહુ બળવાન્ અને સંપત્તિમાન્ સંબંધી રહે છે. અમારી પાસે અમે નીકળ્યા તે વેળાએ પૂરતા પૈસા હતા, પણ દૈવયોગે માર્ગમાં લૂટારાઓના હાથે લૂટાઇ જવાથી અમે અત્યારે સર્વથા નિરાધાર અવસ્થામાં આવી પડ્યા છીએ. અમારે અમદાવાદ પહોંચવું છે અને વાટખર્ચીમાટે એક કાણી કોડી પણ અમારી પાસે નથી; માટે મેહરબાની કરીને અમારી એક હુંડી લ્યો, તો અમારી સર્વ વ્યવસ્થા અમે કરી શકીએ.”

"ભાઇ, તમારી વાત બધી ખરી, પણ જ્યાં નાણાંની વાત આવી ત્યાં સગા ભાઇનો પણ આજે કોઈ વિશ્વાસ કરતું નથી અને તમે તો વળી એક મુસાફર માણસ એટલે તમારી હુંડીનો મારાથી કેમ કરીને સ્વીકાર કરી શકાય વરુ ? હા, જો આ નગરમાંના કોઈ સારા માણસની તમે જામિનગીરી આપતા હો, તો વળી કાંઈક વિચાર કરી શકાય.” શેઠે વ્યવહારપક્ષને જાળવીને શાંતિથી એ વાક્યો ઉચ્ચાર્યા.

“મારું અહીં કોઈ સગું પણ નથી અને ઓળખીતું પણ નથી, એટલે મારો જામિન કોણ થાય ?" છચ્છરે નિરાશાથી કહ્યું.

"જો કોઈ જામિન ન થાય, તો મારાથી નાણાં પણ ન આપી શકાય." શેઠે ચોખ્ખો ને ચટ જવાબ આપી દીધો.

છચ્છર સર્વથા નિરાશ થયો, પણ 'અર્થસાધુને બુદ્ધિ નથી હોતી' એ નિયમને અનુસરીને તે પુનઃ કહેવા લાગ્યો કેઃ “શેઠ સાહેબ, મારે હજાર બે હજાર જોઇતા નથી; કિન્તુ માત્ર પચીસ ત્રીસ રૂપિયાની જ મને અગમ છે અને તે એક મહિનામાં જ આપને હું પાછા મોકલી આપીશ. કાળચક્રથી ચગદાયલાને સહાય આપવું, એ પ્રત્યેક