પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
કચ્છનો કાર્તિકેય

ધનવાનનું પ્રમુખ કર્તવ્ય છે; પરંતુ જો આપનો મારા વચનમાં વિશ્વાસ ન જ બેસતો હોય, તો હું મારા ધર્મની આપને જામિનગીરી આપું છું.”

ધર્મનું નામ સાંભળીને શેઠને કાંઈક હસવું આવ્યું અને તે કહેવા લાગ્યો કેઃ “ભાઈ, ધર્મની સાક્ષીનો સમય તો સત્યયુગની સાથે જ સ્વર્ગમાં સિધાવી ગયો. અત્યારે તો કળિયુગ ચાલે છે એટલે ધર્મને કોઈ પૂછતું પણ નથી. કહ્યું જ છે કે:—

“કળિયુગના પરિતાપથી, ધર્મ ગયો પાતાળ;
વ્યાપ્યો અધર્મ વિશ્વમાં, અધર્મનો આ કાળ !”

“અસ્તુ: ત્યારે જામિન તરીકે હું પોતે જ જો આપની સેવામાં ઉપસ્થિત રહું તો ? કુમારોને બીજા કોઈ માણસ જોડે મોકલીને હું ધારેલા સ્થાને પહોંચતા કરી દઈશ અને ત્યાંથી આપના રૂપિયા જયારે પાછા આવી જશે, ત્યારે જ આપની આજ્ઞા લઈને હું અહીંથી રવાના થઈશ. તે પૂર્વે, હું ધર્મની પ્રતિજ્ઞાથી કહું છું કે, અહીંથી જવાનો નથી.” છચ્છરે છેલ્લો ઉપાય અજમાવવાનો પ્રયત્ન કરીને કહ્યું.

“ભાઈ, તમારી આ બધી વાતો નકામી છે. સ્વાર્થી મનુષ્ય પોતાના સ્વાર્થને સાધી લેવામાટે ગમે તેમ બોલે છે, પણ તેના બોલવામાં ખરેખરો વિશ્વાસ રાખી શકાતો જ નથી. કાલે ઊઠીને તમે પોબારા ગણી જાઓ, તો તમારી પાછળ પાછળ અમે ક્યાં દોડતા ફરીએ વારૂ ? જોઈએ તો બે વાર જમી જાઓ એની ના નથી, પણ રોકડાં નાણાં તો આવી રીતે નહિ જ આપી શકાય.” વાણિયા ભાઈએ સાફ નન્નો વાસ્યો.

અંતે નિરૂપાય થઈને છચ્છરે કહ્યું કે: “શેઠ, કાંઈ ચિંતા નહિ. માલ રાખીને તો રૂપિયા આપશો ને? અમારા લોકો હથિયાર વિના એક ડગલું પણ ભરતા નથી અને તેથી મારી પાસે અમે ત્રણ જણની ત્રણ તલ્વારો છે કે જેમની કીમત હું આપની પાસેથી જેટલા રૂપિયા લેવા માગું છું તેના કરતાં ચારગણી વધારે છે. એ તલ્વારો પણ રાખો અને હું પોતે પણ અહીં જ રહીશ; પણ ગમે તેમ કરીને અમારો આ પ્રસંગ સંભાળો.”

છચ્છરના આટલી વારના નિષ્કપટ ભાષણથી અને તેની તલ્વારો મૂકવાની ઈચ્છાથી વાણીયાનો નિશ્ચય થયો કેઃ “એ ઠગવા તો નથી જ આવ્યો. જરૂર એ મૂંઝાણો છે અને અગત્યમાં આવી પડ્યો છે તેથી જ આટલા બધા કાલાવાલા કરે છે. એને રૂપિયા આપવા તો ખરા, પછી ગમે તેમ થાઓ !' મનમાં એવો નિશ્ચય કરીને તેણે છચ્છરને પૂછ્યું કે: “વારૂ, તમે અહીં રહીને કામ શું કરશો ?"