પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ

"મને કપડાં સીવવાનું કામ ઘણું જ સારું આવડે છે એટલે મારી એ કળાના પ્રતાપે પચીસ ત્રીસ રૂપિયા તો હું એક મહિનામાં જ કમાવી લઈશ." છચ્છરે ઉત્તર આપ્યું.

ભાગ્યયોગે શેઠના ગૃહમાં એક વિવાહપ્રસંગ પાસે જ આવેલો હતો અને તેથી દરજીને બેસાડવાની તૈયારી જ હતી એટલામાં આ અચાનક યોગ મળી આવવાથી મનમાં તે પ્રસન્ન થયો અને છચ્છરને જણાવ્યું કેઃ "જાઓ ત્યારે કુમારોને અહીં લાવો અને તલ્વારો પણ લેતા આવો; હું તમારી ઈચ્છા પ્રમાણેની વ્યવસ્થા કરી આપીશ."

પરદેશમાં કોઈ વેળાએ પૈસા વિના કેવી કેવી અડચણો આવી પડે છે અને કાંઈ પણ કીમતી વસ્તુ વિના કોઈને કોઈ એક પાઈ પણ ધીરતું નથી, એનું આ પ્રસંગથી એક પ્રકારનું શિક્ષણ લેવાનું છે અને એટલામાટે જ આપણા પુરાતન સંસ્કૃત નીતિવેત્તાઓએ કહેલું કે:—

"पराधीनं वृथा जन्म परस्त्रीषु वृथा सुखम्‌ ।
परगृहे वृथा लक्ष्मीर्विद्या या पुस्तके वृथा" ॥

એટલે કેઃ "પરાધીન મનુષ્યનો જન્મ વ્યર્થ છે, પરસ્ત્રીમાં સુખ વ્યર્થ છે, બીજાના ગૃહમાંનું ધન વ્યર્થ છે અને પુસ્તકમાંની વિદ્યા વ્યર્થ છે." અર્થાત્ વિદ્યા વદનમાં હોય અને લક્ષ્મી સદનમાં હોય, તો જ તે અમુક પ્રસંગે તત્કાળ ઉપયોગમાં આવી શકે છે. છચ્છરનું કાર્ય અંતે તલ્વારોના યોગે જ સિદ્ધ થયું, એ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. અસ્તુ.

છચ્છર આનંદિત થતો ત્યાંથી ચાલતો થયો અને ધર્મશાળામાં આવીને કુમારોને સર્વ વૃત્તાંત અથથી ઇતિ પર્યન્ત કહી સંભળાવ્યો. એ વેળાએ લગભગ સંધ્યાસમય થવા આવ્યો હતો. છચ્છર કુમારોને લઈને પાછો તે શાહુકારની પેઢીપર આવી લાગ્યો. કુમારોનાં તેજસ્વી મુખનું દર્શન કરતાં જ વાણિયાની ખાત્રી થઈ ગઈ કે: 'એ પ્રવાસીનાં સર્વે વચનો સત્ય જ હતાં.' તેના મનમાં કરુણાનો ઉદય થયો. કુમારોને તેણે પોતાની પાસે ગાદી પર બેસાડ્યા અને છચ્છર સામો ગાલીચાપર બેઠો. છચ્છરે ત્રણ તલ્વારો વ્યાપારી આગળ રજૂ કરી અને વાણિયાએ માત્ર એક જ તલ્વારને મ્યાનમાંથી કાઢી જોઈ તો તે સો રૂપિયાથી પણ વધારે કીમતની દેખાઈ. વાણિયાએ તે એક જ તલ્વાર પોતા પાસે રાખી લીધી અને બાકીની બે તલ્વારો બન્ને કુમારોને આપી દીધી. ભોજનનો સમય થયો હતો એટલે