પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
કચ્છનો કાર્તિકેય

કુમારોને અને છચ્છરને પણ તેણે આગ્રહ કરીને જમવા બેસાડ્યા. સર્વ ભોજન કરીને તૃપ્ત થયા અને ત્યાર પછી તાંબૂલસેવન કરીને તે શાહૂકારે ત્રીસ રૂપિયા છચ્છરને ગણી આપ્યા અને પોતાના એક માણસને બોલાવીને તેણે આજ્ઞા કરી કેઃ "આવતી કાલે પ્રભાતમાં આ કુમારોને લઈને તારે અહીંથી મુસાફરીએ જવાનું છે. અત્યારે જ એક ઊંટ ભાડે કરી લેજે અને એમને જ્યાં જવાનું હોય ત્યાં પહોચાડી આવજે. તારા પેટિયા ઉપરાંત એઓ તને રોજના મેહનતાણુનું એક આધિયું (બે આના) આપશે. ત્યારે હવે સવાર સુધીમાં બધી તૈયારી કરી શકાશે ને ?"

નોકરે તે આજ્ઞા માન્ય કરી અને પ્રભાતમાં આવવાનું કહીને ત્યાંથી ઊંટનો બંદોબસ્ત કરવા માટે તે ચાલ્યો ગયો. રાત્રે સર્વ નિદ્રાવશ થયાં; પણ બન્ને કુમારો અને છચ્છરનાં નેત્રોમાં પ્રભાતમાં થનારા પરસ્પર વિયોગના વિચારથી જરા પણ નિદ્રા આવી નહિ.

યુગોના યુગો જોતજોતામાં વીતી જાય છે અને મન્વંતરોની પણ સમાપ્તિ થાય છે, ત્યાં એક-કેવળ એક-રાત્રિના અલ્પ સમયને વીતતાં કેટલો વિલંબ લાગે વારુ ? રાત્રિનો અંત આવ્યો અને પ્રભાતકાલિક અરુણે પોતાનો પ્રભાવ બતાવ્યો. નોકર આવ્યો અને સાથે ઊંટને પણ લેતો આવ્યો. કુમારો અનિચ્છા છતાં પણ નિરુપાયવશ જવાને તૈયાર થયા. પરંતુ છચ્છરથી વિખૂટા અને છૂટા પડતી વેળાયે તેમનાં નેત્રોમાંથી અસ્ખલિત અશ્રુપ્રવાહનું વહન થવા લાગ્યું. ખરેખર ગૃહના જે મનુષ્યો નિરંતર ક્લેશ જ કરતાં હોય છે અને અનેક પ્રકારે દુઃખદાયક તથા સ્વાર્થસાધક હોય છે, તેમને પણ જ્યારે લાંબા વખતને માટે છોડી જવાનો પ્રસંગ આપણને પ્રાપ્ત થાય છે, ત્યારે આપણા મનમાં કેટલું બધું ઓછું આવી જાય છે અને આપણા હૃદયમાં કેવા કેવા આઘાતો થાય છે, એનો થોડો ઘણો અનુભવ તો પ્રત્યેક પાઠક તથા પાઠિકાને મળેલો હોવો જ જોઈએ. તો પછી પોતાના પ્રાણરક્ષક સુશીલ સેવક અને પિતા સમાન પ્રેમી પાલક–દુ:ખના ભાગી છચ્છરબૂટાથી છુટા પડતી વેળાયે કુમારોના મનમાં અત્યંત દુઃખ ઉત્પન્ન થાય અને તેમનાં હૃદય વિદીર્ણ થઈ જાય, એ સર્વથા સ્વાભાવિક જ હતું. અર્થાત્ પોતાના પિતાના વધના સમાચાર સાંભળતી વેળાયે અને જન્મભૂમિનો નિરાધાર અવસ્થામાં ત્યાગ કરતી વેળાએ કુમારોને જેટલો શોક થયો નહતો, તેટલો શોક અત્યારે તેમને થયો. એજ પ્રમાણે છચ્છરનાં નેત્રોમાંથી પણ અસ્ખલીત નીરધારાનું પતન થવા લાગ્યું. કુમારોની ભાવિ અવસ્થા વિશે તેના મનમાં અનેક