પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ

પ્રકારના તર્ક વિતર્ક આવવા લાગ્યા અને તે ઉદ્વિગ્ન થઈ ગયો. રામચંદ્રના વનગમનસમયે દશરથ રાજાની જેવી દુઃખભરિત દશા થઈ હતી, તેવી જ અત્યારે છચ્છર–નિમકહલાલ છચ્છર–ની પણ શોકકારક સ્થિતિ થઈ પડી. છતાં પોતાની છાતીને પાષાણ કિંવા વજ્ર્ સમાન કઠિન કરીને તથા શાંતિને ધારણ કરીને તે કુમારોને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે:—

"મારા શિરોમુકુટ, મારા વિયોગનો લેશ માત્ર પણ શોક ન કરશો. તમારો સહાયક ઈશ્વર છે, માટે ઈશ્વરમાં વિશ્વાસ રાખો અને ભાગ્યના યથોચિત માર્ગમાં આગળ વધો. જો તમારો અને મારો સંબંધ હવે પછી પણ કાયમ રહેવાનો હશે, તો કોઈ પણ ઉપાયે પુનઃ પરમાત્મા તમારી જોડે મારો મેળાપ કરાવશે. પરંતુ અત્યારે તો હૃદયને વજ્ર સમાન બનાવીને આપણે વિયુક્ત થવું જ જોઈએ. તમે ક્ષેમકુશળતાથી એક વાર અમદાવાદમાં પહોંચી જાઓ, એટલે થયું. પછી સહુ સારાં વાનાં થવાનાં જ. જે ચિન્તા અને પીડા છે તે માત્ર ત્યાં સુધીની જ છે. તમે પોતે પણ ક્ષત્રિય હોવાથી હિંમતબહાદર છો અને સાથે આ માણસ પણ છે, એટલે વધારે વિચાર, ભય કે સંશય રાખવાનું કોઈ પણ પ્રયોજન નથી."

કુમારો અદ્યાપિ સંસારના અનુભવથી અજ્ઞાન અને અલ્પવયસ્ક હોવા છતાં અત્યંત બુદ્ધિશાળી હોવાથી ત્વરિત પ્રસંગને ઓળખી ગયા અને તેથી મનના શોકને મનમાં જ દબાવી રાખીને છચ્છર તથા તે શાહૂકારને નમસ્કાર કરી પોતાના જીવન તથા ભવિષ્યને ભાગ્યદેવીના હસ્તમાં સોંપી ત્યાંથી જવાને તૈયાર થયા. ખેંગારજી કાળા ઘેાડાપર અને સાયબજી ઊંટપર પાછલા ખાનામાં તથા અનુચર આગલા ખાનામાં બેસી ગયા. ઊંટ ઊભો થયો અને રામ રામ કરીને સર્વ છૂટા પડ્યા. ઊંટ તથા અશ્વ ચાલતા થયા અને કુમારોના વિયોગથી વિલાપ કરતો છચ્છ૨ પોતાનું વચન પાળીને વાણિયાની સેવા કરવામાટે ત્યાં જ અટકી પડ્યો.

કુમારોને જતી વેળાયે હૃદયને દૃઢ કરીને છચ્છરે ઉપદેશ તો આપ્યો હતો, પણ એ ઉપદેશ 'परोपदेशे पांडित्वम्' જેવો જ હતો; કારણ કે, તેમના અદૃશ્ય થવા પછી તે, પોતાના મનમાં નાના પ્રકારની શંકાઓનો આવિર્ભાવ થવાથી, આક્રોશ કરીને એક અલ્પવયસ્ક બાળક પ્રમાણે રોદન કરવા લાગ્યો. તેનું હૈયું હાથ રહી શક્યું નહિ અને શોકથી તેની છાતી ફાટી જવા લાગી. પરંતુ એવો એક વિશ્વવ્યાપક નિયમ છે કે મનની અવસ્થા સદા સર્વદા એકની એક જ રહી શકતી