પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
કચ્છનો કાર્તિકેય

નથી અને તે ન રહે એમાં જ લાભકારક રહસ્ય સમાયેલું છે; કારણ કે, જો કોઈ પણ હેતુથી ઉદ્‌ભવેલો શોક જેવો પ્રથમ ક્ષણમાં બળવાન્ હોય છે, તેવો જ જો નિરંતર બળવાન્ રહે, તો આ વિશ્વમાં કોઇનું અસ્તિત્વ ટકી શકે જ નહિ અને સૃષ્ટિનો અલ્પસમયમાં જ અંત આવી જાય. અતિશય આનંદનું પણ એવું જ પરિણામ થાય છે. એટલામાટે જ ઈશ્વરે મનુષ્યના મનને આનંદ અને શોકની સાનુક્રમ સ્થિતિ આપેલી છે અને એમાં ઈશ્વરની ઈશ્વરતાનું એક અજ્ઞેય રહસ્ય સમાયેલું છે, એમ જ કહી શકાય. એ મનની ચંચળતાના ધર્મ અનુસાર કેટલાક સમય પછી અશ્રુસ્ખલનથી હૃદયનો ભાર ઓછો થતાં છચ્છર કાંઈક શાંત થયો. પુનઃ આશાનો મંદ પ્રકાશ તેને દૃષ્ટિગોચર થવા લાગ્યો અને જાણે કોઈ અગમ્ય તથા અદૃશ્ય સ્થાનમાંથી તેને અજ્ઞેય આશ્વાસન આપતું હોયની ! એવો તેને ભાસ થવા લાગ્યો;–

આશાના એ આભાસથી ઉદ્વિગ્ન છચ્છરનું મન કાંઈક શાંત થયું અને તેણે અશ્રુને લુછી નાખ્યાં. એ પ્રમાણે તેને શોકમાં મગ્ન થયેલો જોઈને શાહુકાર તેની પાસે આવ્યો અને તેને આશ્વાસન આપીને કહેવા લાગ્યો કેઃ "ભાઈ, આમ વ્યર્થ શોક શામાટે કરો છો ? સંસારમાં આવા પ્રસંગો સર્વને પ્રાપ્ત થાય છે અને દુઃખના પ્રસંગથી જે ડગી જતો નથી તેજ સત્ય વીર કહેવાય છે. તમે તો અનુભવી અને બુદ્ધિમાન્ પુરુષ છો એટલે તમને હું વધારે શીખામણ શું આપું ? શાંત થાઓ. આ દિવસ પણ વીતી જશે અને પુનઃ સુખના સૂર્યનો ઉદય થશે. મારો અનુચર વિશ્વાસપાત્ર છે, માટે કુમારો વિશે તમારે જરા પણ ચિન્તા રાખવી નહિ."

"પ્રભુ કરો અને આપની વાણી સફળ થાઓ !" છચ્છરે ઉદ્‌ગાર કાઢ્યો.

"છચ્છરભાઈ, આપણે ત્યાં થોડા દિવસમાં એક લગ્નપ્રસંગ છે અને તેથી સ્ત્રીઓ માટે તથા કન્યાને દાયજામાં આપવાનાં વસ્ત્રો સીવડાવવાની તૈયારી ચાલે છે. આપ સીવવાની કળામાં પ્રવીણ છો, તો કૃપા કરીને આપણે ત્યાં જ એ કળાનો ઉપયોગ કરી નાખો તો શું ખોટું છે ? એથી અમારું કામ થશે અને તમારા માથાપરથી ઋણનો ભાર ઊતરી જશે. એક પંથ ને દો કાજ, કેમ ?" શાહુકારે તેના મનને બીજા વિષયમાં વાળવાના હેતુથી કહ્યું.

"કપડું વગેરે સર્વ ઘરમાં તૈયાર છે કે હજી લાવવાનું છે ?" છચ્છરે સવાલ કર્યો.

"ઘણોક માલ તો લાવીને ઘરમાં ભરી રાખ્યો છે અને બાકી જે જોઈશે તે તરત મગાવી લઈશું." શેઠે કહ્યું.