ધ્રાંગધરાથી વિદાય થયેલા ખેંગારજી, સાયબજી તથા તેમનો સાથી લગભગ આઠેક ગાઉનો પંથ કાપ્યા પછી એક ગામના પાદરમાં આવી પહોંચ્યા. આ ગામ એક ઝાલા ગરાશિયાનું હતું. ગ્રામના બાહ્ય ભાગમાં એક તળાવ હતું અને તેની પાળપર મહાદેવનું એક સુન્દર મન્દિર પણ શોભી રહ્યું હતું. આસપાસ દીર્ધ વિસ્તારમાં સતીઓ તેમ જ ધીંગાણાંમાં મરાયલા શૂરવીર પુરુષોનાં પાળિયાં પણ ઊભેલાં જોવામાં આવતાં હતાં તેમજ વડ, પીપળો, પીપળી, લીંબડો, બેલ તથા એવાં જ નાના પ્રકારનાં અન્ય વૃક્ષો પણ આકાશ સાથે વાર્ત્તાલાપ કરતાં હોયની ! એવો તેમની ઊંચાઈને જોતાં ભાસ થયા કરતો હતો. તળાવમાં જો કે જળ અતિશય અલ્પ પરિમાણમાં હતું, પરંતુ તેમાં બે ત્રણ કૂવા હોવાથી ગામના લોકો તે કૂવામાંથી પાણી ભરીને લઈ જતા હતા અને તેથી તેમને જળના દુષ્કાળની બાધા સહન કરવી પડતી નહોતી. સારાંશ કે, એ એક સાધારણ ગ્રામ હોવા છતાં એની બાહ્ય પ્રાકૃતિક શોભા આકર્ષક હતી અને તેથી ખેંગારજીએ ત્યાં જ રાતવાસો કરવાના વિચારથી પોતાના સાથીને ઉદ્દેશીને કહ્યું કે: “ભાઈ, આ સ્થાન અતિશય સુંદર તથા નિર્ભય હોવાથી મારો એવો વિચાર થાય છે કે રાત્રિ આપણે અહીં જ વીતાડીએ, તો સારૂં; કારણ કે, પ્રવાસમાં આગળ વધ્યા પછી જો રાત્રિનિવાસમાટે બીજું કોઈ આવું સ્થાન નહિ મળે, તો માર્ગમાં આપણે હેરાન થઈશું. રાતે અહીં ભોજન કરી યોગ્ય વિશ્રાંતિ લીધા પછી આવતી કાલે મળસકામાં જ આપણે પુન: આપણા પ્રવાસનો આરંભ કરીશું.”
"જો આપની એવી જ ઈચ્છા હોય, તો આ દાસ આપની ઇચ્છાને સર્વથા આધીન છે.” સાથે આવેલા અનુચરે યોગ્ય શબ્દોમાં પોતાની આધીનતાનું દર્શન કરાવ્યું.
એ સ્થાનમાં રાત્રિનિવાસ કરવાનો નિશ્ચય દૃઢ થવાથી મહાદેવના મંદિર પાસે ખેંગારજીએ પોતાના અશ્વને થોભાવ્યો અને ઊંટને પણ ત્યાં જ બેસાડવામાં આવ્યો. અશ્વના પૃષ્ઠપરની ઝૂલ શિવાલયના ઓટલાપર પાથરીને ખેંગારજી તથા સાયબજી તેનાપર બેઠા અને તેમના સાથીએ અશ્વ તથા ઊંટને થોડા થોડા અંતરપરનાં બે