પૃષ્ઠ:Lakshami Natak.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દે૦: અમે જન્મથી જ જેજે કામ કીધાં હશે તે સરકારના ફાયદા વાસ્તે અને લોકોના કલ્યાણ વાસ્તે હશે, પણ કહેવત છે કે, ગણનો ભાઈ દોષ. આ લોકો આજ અમારી મશકરી કરે છે.

ભીમ૦: તમે ફાયદો અને કલ્યાણ કીધાં ?

દે૦: હા, હા, અમારા જેવાં બીજા કોઈયે પણ નથી કીધાં.

ભીમ૦: ત્યારે હું પુછું તેનો જવાબ આપ્ય.

દે૦: શું કેહે છે ?

ભીમ૦: તમે ખેડુત છો ઘણું અનાજ પકવીને જગતને ફાયદો કીધો ?

દે૦: અમને તું હળખેડુ જેવા જાણે છે ?

ભીમ૦: ત્યારે તમે દેશાવરની મુલકગીરી કરીને લોકોનો ઉપકાર કીધો છે ?

દે૦: ના એ તો કાંઈ નથી કર્યું, પણ અમે કોઈ વખત કાંધાંખત ભરયાં છે ખરાં.

ભીમ૦: ત્યારે તો એમાં લોકોને ફાયદો ખરો દીવાની તુરંગમાં છે, એટલો પણ તમે કાંઈ નવો કીસબ બજાવ્યો છે ?

દે૦: નવા કીસબનું શું જરૂર છે, અશલથી જે કરતા હઇયે, તે કરવું.

ભીમ૦: તે અશલથી તમારો શો ધંધો છે ?

દે૦: અમે અદાલતમાં બેશીને સરકારનું કામ અને લોકોનું કામ બજાવિયે છિયે.

ભીમ૦: હરેક લોકને ટંટામાં નાખવા એ ઉપકારનું કામ છે ?

દે૦: પણ શીધે રસ્તે ચાલે નહીં તેને શિક્ષા કરાવવી એ શું સારૂં કામ નથી ?

ભીમ૦: તેનો તપાસ રાખનારા અમલદાર લોકો નથી ? તમારે શા ઊચાટ છે ?

દે૦: પણ અમલદારને જાહેર કરનાર કોણ ?

ભીમ૦: જેની મરજી.

દે૦: તે હું છું તારે જુવો એ સરકારના ફાયદાનું કામ ખરૂં કે નહીં ?

ભીમ૦: વાહ ! વાહ ! એ તો મોટો ફાયદો. પણ એવું કામ કરવાથી ઘરમાં સુખે બેશી રહેવું અજગરની પેઠે એ સારૂં છે કે નહીં ? અને એથી બીજું સારૂં કામ કાંઈ તમને શુજતું નથી ?

દે૦: અમારે અજગર જેવા થવું નથી.

ભીમ૦: તારૂં અંગરખું ઊતાર.

શાસ્ત્રી: અલ્યા સાંભળતો નથી કે શું ?

ભીમ૦: પાઘડી પણ લાવ્ય.

શાસ્ત્રી: તને જ કહે છે.

દે૦: મને લુટનાર કોણ છે.

ભીમ૦: તે હું છું.