પૃષ્ઠ:Lakshami Natak.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દે૦: હાય, હાય, ભરયા શેહેરમાં ખરે બપોરે લુટી લે છે.

ભીમ૦: તમે નિરંતર બીજા લોકોના કામમાં હાથ નાંખતા પણ હાલ અમે તમારા કામમાં હાથ નાંખીએ છીએ.

દે૦: ક્યાં ગયો ? અલ્યા કપુરચંદ તું શાહેદી રહેજે.

ભીમ૦: અહિ કોઈ તારી શાહેદી પુરે એવો નથી, એતો સરવે નાશી ગયા.

દે૦: જુવો જુવો ભાઈ મને વગર વશીલાવાળા ગરીબને લુટી લે છે.

ભીમ૦: અરે હળવે બોલ.

દે૦: હાય, હાય.

ભીમ૦: શાસ્ત્રીબાવા તમારાં જુનાં લુગડાં લાવો આ ચાડિયાને આપીએ.

શાસ્ત્રી: પ્રભુ પ્રભુ ભજ, એ તો અમે ઘણાં વર્ષ થયાં બાધા રાખી છે, જે આ લુગડાં માતાજીના ધ્વજદંડ ઊપર મેલવાં.

ભીમ૦: આ લુચ્ચા ચાડિયા જેવો બીજો ધ્વજદંડ ક્યાંથી મળશે. અને માતાજીના ધ્વજદંડ ઊપર તો જરી પટકા જોઈએ એવાં લુગડાં હોય નહીં.

શાસ્ત્રી: તું એની પાઘડી લેઈને શું કરીશ ?

ભીમ૦: એ લુચ્ચાના હાથ પાછેવાહી બાંધીશ.

દે૦: ભાઈ અમારે તારી સાથે લઢવાની તરેવડ નથી, હું તો આ ચાલ્યો, પણ જો મારા સોબતી કોઈ બે જણ મળશે તો એ દેવીની આંખ્યો તો હું જરૂર ફોડાવીશ, પંચને પુછ્યા વિના જુનો સિરસ્તો લોપ્યો છે, પણ.

શા૦: તમે અમારો પોશાક લેઈને જાઓ છો વાસ્તે જાનકીદાસ બાવાની ધુણી પાસે જજો કેમજે અમે એ ધુણી પાસે રહીને ઘણા વર્ષના શિયાળામાં સુખ પામ્યા છીએ.

ભી૦: પણ જાનકીદાસ બાવાને એનું મહો જોઈને તુરત માલુમ થશે કે આ લુચ્ચો માણસ છે, એટલે મારી કાઢશે. શાસ્ત્રી બાવા હવે આપણ બંને ચાલો. માંહેલી તરફ જઈએ. અને તમારી માનતા પુરી કરીએ.

સ્વાંગ પાંચમો સંપુર્ણ

સ્વાંગ ૬ ઠ્ઠો

બીબી ફાતમા અને જુવાન મદરખાન

ફાતમાઃ ઓ ભાઈ લખમીકા મુકામ ઈધર હે, હમ રસ્તા ચુક ગયે?

ભી.: આવો રૂપાળાં લેરખડાં લખમીજીનું દેવળ એ જ છે. તમે ભુલાં નથી પડ્યા પણ તમે પુછો છો તે તમારાં વચન અમને ઘણાં પ્યારાં લાગે છે.