પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૩ ]


અને એની આબાદી. અને તારી પોતાની સલામતી અને તારી સગવડો હંમેશા સૌથી છેલ્લી આવે છે, દરેક વખતે એ જ છેલ્લી આવે છે.” આ સૂત્ર મેં વાંચ્યું તે દિવસથી મારા દેશ પ્રત્યેની અને મારા સિપાહીઓ તરફની કર્તવ્ય-ભાવના મારા વિચારોમાં ગમે તેવા સંજેગોમાં પણ અગ્રસ્થાને રહી છે. મારી નજર સામે આ સૂત્ર રાખીને જ હિંદી લશ્કરના એક અફસર તરીકે મેં મારા દેશની સેવા કરેલી.

સિંગાપુરની શરણે થઈ જવાનું છે એવી અફવાઓ સાંભળીને બિદાદરીની છાવણી ખાલી કરતી વખતે મેં હજારો હિંદીઓને એક ખુલ્લી જગ્યામાં ભેગા મળેલા જોયા. એમણે ઘણા હિંદી રાષ્ટ્રધ્વજો ફરકાવ્યા હતા. આ જ્યારે મે મારી સાથેના એક બ્રિટિશ કર્નલને દેખાડ્યું ત્યારે એણે કહ્યું: ' હું એમનો દોષ નથી જોતો. જો આપણે રક્ષણ ન કરી શકીએ તો પછી એમણે પોતે જ પોતાની સંભાળ લેવી રહે છે.'

મલાયાના રક્ષણ માટે જેણે જવાબદારી લીધી હતી એ બ્રિટિશ સરકારની તૈયારીઓના સદંતર અભાવને લીધે જાપાનીસ આક્રમણને પરિણામે મલાયાની પ્રજાને જે સહન કરવું પડ્યું હતું એ મેં જોયું હતું. અને હિંદુસ્તાન ઉપર ચડાઈ થાય તો મારા દેશવાસીઓની શી હાલત થાય તેનો વિચાર કરતાં પણ હું ધ્રુજી ઊઠ્યો હતો. દોઢ સૈકાની બ્રિટિશ હકૂમતે મારા દેશનું જે સત્યાનાશ વાળ્યું છે તે મને એ વખતે સમજાયું.

મેં મનમાં વિચાર્યું કે અમારી તમામ ભૌતિક સાધનસંપત્તિનું અંગ્રેજોએ પોતાના લાભ માટે શોષણ કર્યું છે, અને પોતાનાં શાહીવાદી યુદ્ધો લડવા ખાતર અમારા માનવબળનો છૂટથી ઉપયોગ કર્યો છે. તેમ છતાં જરૂર પડ્યે અમારી માતૃભૂમિનું રક્ષણ કરવા એણે અમને તૈયાર નથી કર્યા, એટલું જ નહિ પણ સદાકાળને માટે બંધનમાં રાખવા માટે અમને પૂરેપૂરા નીવીર્ય બનાવી દીધા છે.