લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૯૬ ]

બજાવતાં મેં કાંઈપણ કામ કર્યું હોય તો એ ગુનાસર મારી ઉપર હિંદી લશ્કરી કાનુન પ્રમાણે અને હિંદના ફોજદારી કાયદા પ્રમાણે આરોપ મૂકી શકાય નહિ, તેમ કામ પણ ચલાવી શકાય નહિ.

વધુમાં મને એવી સલાહ આપવામાં આવી છે કે કાયદાની દૃષ્ટિએ જોતાં આ લશ્કરી અદાલતમાં ચાલતો મારો ખટલો ગેરકાયદેસર છે. ઊચામાં ઊંચા અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઈરાદાઓથી હું આ૦ હિં૦ ફો૦માં જોડાયેલો. આ૦ હિં૦ ફો૦ના સભ્ય તરીકે હું સંખ્યાબંધ યુદ્ધકેદીઓને પૈસા અને ચીજવસ્તુઓની મદદ કરી શક્યો છું. દૂર પૂર્વમાં વસતા હિંદીઓના જાનમાલ અને ઇજ્જતનું રક્ષણ આ૦ હિં૦ ફો૦ કરી શકી છે.

હિંદુસ્તાનના શહેરોમાંના નાગરિકો અને તેમની માલમિલકતો ઉપર બોંબમારો ન કરવાનું હું જાપાનીઓને સફળતાપૂર્વક સમજાવી શક્યો હતો. આ૦ હિં૦ ફો૦ એ બજાવેલી એમની સેવાની કદર તરીકે દૂર પૂર્વમાંના હિંદીઓને આઝાદ હિંદની કામચલાઉ સરકારના ફાળામાં કરોડો રૂપિયા આપ્યા હતા.

અનેક પ્રસંગોએ મારે ૨૦ થી ૩૦ કલાક સુધી પાણી વિના ચલાવી લેવું પડ્યું હતું, અને ખોરાક વિના બે-ત્રણ દિવસો ગાળવા પડ્યા હતા. એક બ્રિગેડના કમાન્ડર તરીકે જો મારે આ બધી મુસીબતો વેઠવી પડી હોય તો મારા હાથ નીચેના માણસોને તો એથીય ઘણું વધારે સહન કરવું પડ્યું હશે, અને છતાં એ મારી સાથે જ રહ્યા હતા. દબાણથી કે બળજબરીથી ભરતી થયેલા કોઇ પણ સિપાહીઓ એમ ન કરી શક્યા હોત.

હું સવિનય એવી માન્યતા ધરાવું છું કે આઝાદ હિંદની કામચલાઉ સરકાર પ્રત્યે વફાદારી બતાવતા પચીસ લાખ હિંદીઓની માનભરી સેવા આ૦ હિં૦ ફો૦એ કરી છે અને અત્યંત દેશપ્રેમી ઇરાદાઓથી એ પ્રેરાયેલી હતી.