૫ મી નવેંબર : સોમવાર
બ્રિટિશ હિંદના ઇતિહાસમાં અજોડ એવો એક ખટલો દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાંની એક લશ્કરી 'બેરેક' – ઈમારતને બીજે માળે આજે શરૂ થયો. ન્યાયકચેરીમાં દાખલ થવા માટેના ખાસ પરવાના અગાઉથી જેમણે મેળવ્યા હતા તેવા ૧૪૦ પ્રેક્ષકો અને ૬૦ પત્રકારોથી અદાલતનો ખંડ ચિક્કાર ભરાઈ ગયો હતો. ન્યાયમૂર્તિએાએ પોતાનાં સ્થાન લીધા પછી છબીકારોને ચાર મિનિટ સુધી અદાલતની છબીઓ ખેચવા દેવામાં આવી.
છબીકારોએ વિદાય લીધી અને લશ્કરી અદાલતના પ્રમુખે ફરમાન કર્યું : 'તહોમતદારોને હાજર કરો.' કૅપ્ટન શાહનવાઝખાન, કૅપ્ટન સેહગલ અને કૅપ્ટન ધિલન દાખલ થયા અને અદાલતને એક છટાભરી સલામી કરી. આઝાદ હિંદ ફોજના ત્રણેય અફસરો લશ્કરી પોષાકમાં સજ્જ થયેલા હતા. એમના હોદ્દા દાખવતા બિલ્લાઓ એમની પાસે હતા નહિ.
હિંદી લશ્કરી કાનૂન હેઠળ આ લશ્કરી અદાલતની રચના કરતા હુકમને જજ-એડવોકેટે ઘેરા અવાજે વાંચી સંભળાવ્યો. ત્યારપછી, અદાલતના ચાલુ અને ખડા સભ્યો. શીઘ્રલહિયાઓ અને ફરિયાદપક્ષી વકીલનાં નામેાના એમણે સાદ પાડયા. એ બધાએ 'હાજર' એવો જવાબ આપ્યા પછી અદાલતે બચાવપક્ષના મુખ્ય ધારાશાસ્ત્રીનું નામ પૂછયું. સર તેજ બહાદુર સપ્રુએ જવાબ આપ્યો કે એમની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે શ્રી. ભુલાભાઈ દેસાઈને આ ખટલો ચલાવવાનું કહ્યું છે. તેમણે બીજા ધારાશાસ્ત્રીની પણ ઓળખાણ કરાવી – જેમાં પંડિત જવાહરલાલ નેહરુ, સર દલીપસીંઘ, શ્રી અસફઅલી, ડૉ. કાત્જુ, શ્રી સેન, અને રાયબહાદુર, બદ્રીદાસનો સમાવેશ થાય છે. અદાલતના પ્રમુખે ટકોર કરી કે, “હિંદી લશ્કરી કાનૂનની રૂએ આ અદાલતમાં ઊભા રહેવાની લાયકાત તમે સૌ ઘરાવતા હશો એમ હું માની લઉં છું.' શ્રી ભુલાભાઈએ હકારમાં જવાબ વાળ્યો.