પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૭ ]તે પછીના સાક્ષી શ્રી તેરુરો હાચિયાએ કહ્યું કે-

'આઝાદ હિંદની કામચલાઉ સરકાર ઉપરના એલચી તરીકે મને જાપાનીસ સરકારે મોકલેલો. ૧૯૪૫ના માર્ચમાં હું રંગુન પહોંચ્યો, અને કામચલાઉ સરકારના પરદેશ પ્રધાન કર્નલ ચેટરજીને મળ્યો. રંગુનમાં હું ૧૯૪૫ની ૨૪મી એપ્રિલ સુધી હતો. કામચલાઉ સરકારના બીજા એક સભ્ય શ્રી અય્યરને હું મળેલો. ૨ંગુનથી હું બેંગકોક ગયેલો અને કામચલાઉ સરકાર પણ રંગુનથી બેંગકોક ખસેડવામાં આવેલી. મને દિલ્હી લાવવામાં આવ્યો ત્યાં સુધી હું બેંગકોકમાં જ હતો.'

સ૦–તમે રંગુન આવ્યા ત્યારે કાંઈ એાળખાણ-પત્રો લાવેલા ?

જ૦-હુ કાંઈ ઓળખાણ–પત્રો લાવ્યો નહોતો. પણ પહોંચ્યા પછી પરદેશ પ્રધાન કર્નલ ચેટરજીની મુલાકાતે હું ગયેલો. રંગુન જતાં પહેલાં હું ટોકીએામાં હતો. રંગુન જવાનો હુકમ મને જાપાનીસ પરદેશ-પ્રધાન શ્રી શિગેમિત્સુ તરફથી મળેલો. આઝાદ હિંદ સરકાર ઉપર મને મોકલવામાં આવ્યો તે અગાઉ હું જાપાનીસ મુત્સદ્દી-ખાતામાં હતો. પોલેન્ડમાંના જાપાનીસ એલચીખાતામાં પણ હતો, બલ્ગેરીઆ ખાતેનો એલચી હતો અને પરદેશ ખાતાના ટોકીઓમાંના સાંસ્કારિક ખાતાનો વડો પણ કેટલાક વખત માટે હતો. હું રંગુન કોઈ ઓળખાણ-પત્રો લઈ ગયેલો નહિ. કારણકે મને એ આપવામાં આવ્યા નહોતા. એ આપવામાં આવ્યા નહોતા કારણકે આઝાદ હિંદ સરકાર એક કામચલાઉ સરકાર હતી એની મને જાણ કરવામાં આવેલી.

સ૦–તમને ઓળખાણ-પત્રો શા માટે નથી આપવામાં આવ્યા. તેની પૂછપરછ તમે કરેલી ખરી ?

જ૦-વાતચીતમાં મને જણાવવામાં આવેલું કે ઓળખાણ-પત્રોની જરૂર નથી. પાછળથી મને એક તાર મળેલો કે ઓળખાણ–પત્રો રવાના થઈ ચૂક્યા છે, પણ મને એ પહોંચેલા નહિ.