પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૧૦ ]


બતાવ્યા ૧૯૪૪ના ફેબ્રુઆરી કે માર્ચમાં એ રેજિમેન્ટ મોરચા ભણી ઊપડી ગઈ હતી. આ રેજિમેન્ટને શી કામગરી સોંપવામાં આવી હતી એવા એક સવાલના જવાબમાં સાક્ષીએ ન્યાયાધીશોના મેજ પાસે જઈને એક આકૃતિ દોરીને સમજાવ્યું કે આખી આ૦ હિં૦ ફો૦ને એક ચોક્કસ હરોળ ભેદવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

સ૦–એમની રેજિમેન્ટ જ્યાં લડતી હતી એ વિભાગ એકલા કૅ. શાહનવાઝ ખાનના વર્ચસ્વ હેઠળ જ હતો ? એમની સાથે કોઈ જાપાનીસ અફસર હતો ?

જ૦–મને યાદ છે ત્યાં સુધી કૅ૦ શાહનવાઝની સાથે સંપર્કખાતાનો એક અફસર હતો, પણ મને એની ખાતરી નથી.

સ૦-આ૦ હિં૦ ફો૦ અને ઇમ્ફાલ મોરચા પરના સંયુક્ત 'કમાન્ડ' વચ્ચે શી સમજણ હતી ?

જ૦–જ્યારે લડાયક હિલચાલ ચાલતી ન હોય ત્યારે આ૦ હિં૦ ફો૦ સ્વતંત્ર હતી અને હિલચાલ ચાલુ હોય એટલા વખત દરમિયાન એ જાપાનીઓના કાબુ હેઠળ હતી.

સ૦–હિંદુસ્તાનનો કોઈ પ્રદેશ કબજે કરાય તો તેનું શું કરવું તે વિશે કશી સમજણ હતી ?

જ૦-હિંદનો જે કાંઈ પ્રદેશ અમે કબજે લઈએ તે આ૦ હિં૦ ફો૦ ને સોંપી દેવામાં આવે એવી સમજણ હતી.

સ૦–આ મુક્ત કરાયેલા પ્રદેશોનું તંત્ર કોણે સંભળાવાનું હતું એ વિષે જાપાનીસ 'હાઈ-કમાન્ડ' અને આ૦ હિં૦ ફો૦ વચ્ચે કાંઈ સમજણ હતી ?

જ૦–એની ઉપર કામચલાઉ સરકારનો કાબુ રહેવાનો હતો.

સ૦–મુક્ત કરેલા પ્રદેશોમાંથી વિજેતા સૈન્યના હાથમાં જે શત્રુ-સરંજામ આવે તેને અંગે શી સમજણ હતી?

'જ૦-તમામ શત્રુ-સરંજામ કામચલાઉ સરકારને સોંપી દેવાનો હતો.