પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૪ ]


આ૦હિં૦ફો૦ના ત્રણેય આરોપી અફસરોને તે પછી પૂછવામાં આવ્યું કે અદાલતના પ્રમુખ કે બીજા કોઈ સભ્યને હાથે તેમને ઈન્સાફ તોળાય તે સામે તેમને કાંઈ વાંધો છે ? “ના જી,” ત્રણેયના એ જવાબ હતા. અદાલતના કામની સંપૂર્ણ નોંધ ઉતારવા માટેના શીધ્રલહિયાઓમાંના એકેયની સામે તેમને વાંધો છે કે કેમ તેવા પૂછાણના જવાબમાં પણ ત્રણેય આરોપીએાએ ના પાડી. ત્યાર પછીની દસ મિનિટ અદાલતના સભ્યોની અને શીઘ્રલહિયાએાની સોંગદવિધિમાં વીતી. અદાલતના સભ્યોના સોગંદ નીચે પ્રમાણે હતા:

'સર્વશક્તિમાન પરમેશ્વરના સોગંદપૂર્વક હું કહું છું કે, હિંદી લશ્કરી કાનૂન પ્રમાણે, અને પક્ષપાત, મહેરબાની કે પ્રીતિ વિના હું ઇન્સાફ તોળીશ, અને જે કોઈ શંકા ઊભી થશે તે મારા અંતરાત્માના કહ્યા પ્રમાણે, મારી મતિમાં ઊતરે તે રીતે અને આવા દાખલાઓમાં યુદ્ધના શિરસ્તા મુજબ વર્તીશ. આ લશ્કરી અદાલતના ફેસલાની જાહેરાત સત્તાવાળાઓ ન કરે ત્યાં સુધી હું તેની જાણ કોઈને કરીશ નહિ. વધુમાં, આ લશ્કરી અદાલતના કોઈપણ સભ્યનો મત કે અભિપ્રાય હું જાહેર કરીશ નહિ કે જાણીશ નહિ - સિવાય કે કાયદા મુજબની એ વાતની સાબિતિ કોઈ ન્યાયકોર્ટ કે લશ્કરી અદાલતમાં દેવાનું મને કહેવામાં આવે. ઈશ્વર મને મદદ કરે !'

જજ - એડવોકેટે ત્યારબાદ દસેય આરોપો વાંચી સંભળાવ્યા. હિંદી ફોઝદારી કાયદાની કલમ ૧૨૧-अ પ્રમાણેનો રાજા સામે યુદ્ધ ચલાવવાનો નાગરિક આરોપ ત્રણેય અફસરો ઉપર મૂકવામાં આવ્યો છે. બરમામાં પોપા ટેકરી ઉપર કે નજીકમાં ૧૯૪૫ના માર્ચની છઠ્ઠીએ હારસીંઘ, દુલીચંદ, દોરાઈસીંઘ અને ધરમસીંઘના ખૂન કરવાનો આરોપ કૅ. ધિલન ઉપર મૂકવામાં આવ્યો છે. કૅ. સેહગલ ઉપર આ ચાર ખૂન કરાવવાનો આરોપ અને કૅ. શાહનવાઝ ઉપર તોપચી મહમ્મદ હુસેનનું ખૂન ૧૯૪૫ ની ૨૯ મી માર્ચની આસપાસ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ૦ હિં૦ફો૦ના ત્રણેય અફસરોએ તમામ આરોપોના જવાબમાં મક્કમપણે 'બિનગુન્હેગાર' કહ્યું. પછી અફસરોને બચાવના મેજની પાછળ પોતાની બેઠક લેવાનું જણાવવામાં આવ્યું.