પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આઝાદ હિંદ સરકારના
બે પ્રધાનોની જુબાની
: ૧૫ :

૧૧મી ડિસેંબર : મંગળવાર

બચાવ પક્ષના છઠ્ઠા સાક્ષી હતા આઝાદ હિંદની કામચલાઉ સરકારના એક પ્રધાન શ્રી અય્યર એમણે જુબાની આપી કે –

“૧૯૪૧ની ૧૦મી ડિસેંબરે જાપાનીઓએ લડાઈની જાહેરાત કરી ત્યારે હું બેંગકોકમાં હતો. તેજ દિવસે બેંગકોક છોડીને બરમા–રસ્તે હિંદ પહોંચવાનો મેં પ્રયાસ કર્યો, પણ એમાં હું સફળ ન થયો કારણકે હું સરહદ ઉપર પહોંચ્યો તે અગાઉ બે દિવસે જ એ બંધ કરી દેવામાં આવેલી.

પૂર્વે એશિયામાંના તમામ હિંદીઓની એક પરિષદ ૧૯૪૨ના જુનની અધવચમાં બેંગકોકમાં મળેલી. થાઇલેન્ડ, બરમા, મલાયા (સિંગાપુર સહિત), હિંદી-ચીન, જાવા, સુમાત્રા, ફિલિપાઇન્સ, શાંઘાઈ, હોંગકોંગ અને જાપાનમાંથી એમાં પ્રતિનિધિઓ હાજર રહેલા, પૂર્વ એશિયામાં એ વખતે હિંદીઓની આશરે પચીસથી ત્રીસ લાખની વસ્તી હતી. એ પરિષદમાં હું એક પ્રેક્ષક તરીકે હાજર રહેલો.

બેંગકોકમાં સ્થાપાયેલા હિંદી સ્વાતંત્ર્ય સંઘના વડા મથકમાં હું ૧૯૪૨ના જુલાઈમાં જોડાયો. હિંદી સ્વાતંત્ર્ય સંધનું પ્રથમ ધ્યેય એ વખતે હું સમજયો હતો તે પ્રમાણે હિંદની સ્વતંત્રતા જીતવાનું હતું. સંઘના જાહેરાત-ખાતાનો કબજો મને સોંપવામાં આવેલો.

ફેબ્રુઆરીના અંતમાં બેંગકોક છોડીને હું માર્ચની ૩ જીએ સિંગાપુર પહોંચ્યો, ત્યાં, હિંદી સ્વાતંત્ર્ય સંઘના પ્રમુખ રાશબિહારી બોઝને હું મળ્યો. એમણે મને કહ્યું કે વડું મથક બેંગકોકથી સિંગાપુર બને તેટલું જલદી ખસેડવાનો એમણે નિર્ણય કર્યો હતો, તે વખતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી અને ૧૯૪૩ના એપ્રિલમાં ખસેડવાનું કામ શરૂ થઈ ગયું. મારી કચેરીમાં કામ કરવું મેં ચાલુ રાખ્યું.